રેલવે ડિવિઝનમાં કચરામાંથી કલાનો કાર્યક્રમ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 22 સપ્ટેમ્બર 2025ના રોજ ‘સ્વચ્છતા હી સેવા 2025’ અભિયાન અંતર્ગત ‘કચરામાંથી કલા’ (Waste to Art))ં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિવિઝનની 14 ટીમોએ કોચિંગ અને વેગન જેવી બિનઉપયોગી સામગ્રીમાંથી 12 મૂર્તિઓ અને 2 સુશોભન વસ્તુઓ તૈયાર કરી. આ કૃતિઓ દ્વારા, સહભાગીઓએ કલાની સાથે-સાથે પર્યાવરણ સંરક્ષણ અને વેસ્ટ મેનેજમેન્ટનો મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો.
આ કાર્યક્રમનું નેતૃત્વ રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર મેઘરાજ ટાટેર અને આસિસ્ટન્ટ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર દ્વીપ સબાપરાએ કર્યું. રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબેએ સહભાગીઓની સર્જનાત્મકતાની પ્રશંસા કરતા કહ્યું કે આવી પહેલ સમાજ અને પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું માધ્યમ છે. આ પ્રસંગે એવો પણ સંદેશ આપવામાં આવ્યો કે બિનઉપયોગી વસ્તુઓનો સર્જનાત્મક ઉપયોગ ટકાઉ વિકાસ અને હરિયાળી પહેલને પ્રોત્સાહન આપે છે. આ આયોજને પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃતિ પ્રત્યે રાજકોટ રેલવે ડિવિઝનની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી.