મોરબીના શનાળામાં પત્નીને આપઘાત કરવા મજબૂર કરનાર પતિની ધરપકડ
મોરબીના શનાળા ગામે મહિલાના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ચારિત્ર્યની શંકા કરીને મારકૂટ કરવામાં આવતી હતી. જેથી કરીને પરિણીતાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે હાલમાં આપઘાત કરી લેનાર મહિલાના પતિની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ભરૂચમાં આવેલા નવીનગરી કુકરવાડા રોડ ખાતે રહેતા કિરણભાઈ શશીકાંતભાઈ વસાવા (32)એ મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસમુખભાઈ વાલજીભાઈ પટેલ અને તેના ભત્રીજા જયદીપભાઇ પટેલ તેમજ તેઓના પરિવારજન સામે ફરિયાદીની બહેન રેખાબેનને મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ફરિયાદીના મોટા બહેનના આઠેક મહિના પહેલા હસમુખભાઈ સાથે કોર્ટ મેરેજ થયા હતા અને ત્યાર બાદ ફરિયાદીની બહેનને હસમુખભાઈ પટેલ અને તેના પરિવારજનો દ્વારા ખોટા બહાના કરીને તેમજ ચારિત્ર્યની ખોટી શંકા કરીને મારકુટ કરવામાં આવતી હતી.
શારીરિક, માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી કરીને કંટાળીને રેખાબેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના ભાઈએ નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે મહિલાના પતિ સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂૂ કરી હતી. આ ગુનામાં ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમે આરોપી હસમુખભાઈ વાલજીભાઈ શિરવી જાતે પટેલ (50) રહે. સનાળા વાળાની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂૂ કરી હતી.અત્રે ઉલેખનીય છે કે, મૃતક મહિલા સહજાનંદ ટ્રાવેલ્સમાં અવારનવાર આવતી જતી હતી. તે હસમુખભાઈ પટેલના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ તેને પહેલા જે જગ્યાએ લગ્ન થયા હતા ત્યાંથી છુટાછેડા લીધા બાદ આઠેક મહિના પહેલા હસમુખભાઈ પટેલની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, પરંતુ થોડા મહિનાઓ બાદથી તેને હસમુખભાઈ પટેલ દ્વારા ગાળો આપવામાં આવતી હતી. શારીરિક, માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ તેના ચારિત્ર્યની શંકા કરીને ખોટા બહાના કરીને તેને ત્રાસ આપતા હતા. જેથી કરીને ફરિયાદીને બહેને અંતિમ પગલું ભરી લીધું હતું.