કોંગ્રેસમાંથી સીધા ભાજપની કેબિનેટમાં, અર્જુનભાઇ મોઢવાડિયાને ગ્રાઉન્ડવર્ક ફળ્યું
ત્રણવાર કોંગ્રેસના ચિન્હ પરથી ધારાસભ્ય બન્યા છે
ગુજરાતમાં મંત્રી મંડળમાં વિસ્તરણ કરીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા ફરીવાર પોરબંદર બેઠક પરની પેટા ચૂંટણી જીતી ગયા છે. ત્યારે તેમને રાજ્યના નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. 2002થી અત્યાર સુધીમાં ત્રણવાર કોંગ્રેસના ચિહ્ન પરથી ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડિયા હવે ભાજપની સરકારના કેબીનેટ મંત્રી બન્યાં છે. અર્જુન મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957માં પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. મેર સમાજમાંથી રાજનીતિમાં નામ બનાવનાર મોઢવાડિયાએ BE મિકેનિકલ એન્જિનિયરિંગ અને વકિલાતનો અભ્યાસ કર્યો છે.
તેઓ વર્ષ 1982થી 2002 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર રહી ચૂકયા છે. ત્યાર બાદ તેઓ કોંગ્રેસના સક્રિય કાર્યકર બન્યા હતાં. તેમણે 2002માં પોરબંદરથી કોંગ્રેસની ટીકિટ પર ચૂંટણી લડી હતી. જેમાં તેઓ જીત્યા હતાં. આ સમયે તેઓ ભાજપના બાબુ બોખીરિયા સામે ભારે સાબિત થયા હતાં. તેમણે વર્ષ 2004 અને 2007માં વિધાનસભાના વિક્ષપના નેતા તરીકે ફરજ બજાવી હતી. કોંગ્રેસે 2011માં તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતાં. 2012ની ચૂંટણીમાં ભાજપના બાબુ બોખિરિયાએ તેમને હરાવ્યા હતાં. ત્યાર બાદ 2017ની ચૂંટણીમાં પણ તેમનો પરાજય થયો હતો.
આ છતાંય કોંગ્રેસે તેમના પર વિશ્વાસ રાખી 2022ની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા અને ભાજપના બાબુ બોખિરિયા સામે તેમનો વિજય થયો હતો. ત્યાર બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતાં. પોરબંદરની બેઠક પર ભાજપે તેમને ટીકિટ આપતાં તેઓ પેટા ચૂંટણી જીત્યા હતાં. હવે ભાજપની સરકારમા તેમને મંત્રી પદ આપવામાં આવ્યું છે.