માજી તડકો છે સોડા પીવી છે? કહી વૃદ્ધાને ઘેની સોડા પીવડાવી રોકડ અને દાગીના તફડાવ્યા
મહિલા સહિત બેની શોધખોળ, ઇન્દિરા સર્કલ પાસેની ઘટના
પોપટપરામા ઈમાન ચોકમાં રહેતાં અને કાલાવડ રોડ પર રામધામ સોસાયટીમાં સ્થિત એસ.બી.આઈ. બેંકમાં સાફ-સફાઈનું કામ કરતાં વસંતબેન હરીસિંહભાઈ ચૌહાણ (ઉ.વ.75) ઈન્દરા સર્કલથી કોટેચા ચોક તરફ જતા રસ્તે સીટી બસ સ્ટોપ પાસે હતા ત્યારે અજાણ્યા મહિલા અને શખ્સે સોડામાં બેભાનીયું પ્રવાહી પીવડાવી અર્ધબેભાન કરી રોકડ અને સોનાની બુટી મળી કુલ રૂૂા.ર0 હજારની મત્તા ચોરી ગયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વસંતબેને પોલીસને જણાવ્યું કે, ગઈ તા.13નાં બપોરે તે બેંકેથી છુટીને ઘરે જવા માટે રવાના થયા હતા. તે ઈન્દીરા સર્કલથી કોટેચા ચોક તરફ જતા રસ્તે સીટી બસ સ્ટોપ પાસે બસની રાહ જોઈને ઉભા હતા. ત્યારે બાઈક પર ઘસી આવેલા અજાણી મહિલા અને તેની સાથેનો શખ્સ તેની સાથે વાતચીત કરવા લાગ્યા હતા. આ સમયે અજાણી મહિલાએ તેને માજી તડકો છે સોડા પીવી છે ? કહી સામેથી દુકાને સોડા લાવી પીવડાવતાં તે અર્ધબેભાન જેવા બની ગયા હતા. આ સમયે બંને આરોપીએ તેના કાનમાંથી સોનાની બુટીઓ અને થેલીમાં રહેલા પાકીટ કે જેમાં પાંચ હજાર હતા તે મળી કુલ રૂૂા.20 હજારની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા.હાલ ગાંધીગ્રામ પોલીસે બને આરોપીની ધરપકડ કરવા કવાયત શરૂૂ કરી છે.