એપ્રિલ ધગધગ્યો... સતત 26 દિવસ તાપમાન 40 ડિગ્રીને પાર
28 એપ્રિલના રોજ 46.2 ડિગ્રી તાપમાન નોંધાતા રાજકોટમાં ગરમીએ 133 વર્ષનો રેકોર્ડ બનાવ્યો, આવતીકાલથી બે-ત્રણ દિવસ ગરમીમાં સામાન્ય રાહત રહેશે
ગુજરાત માટે એપ્રિલ મહિનો ખુબ ગરમ રહ્યો છે આ મહિનામાં સતત 26 દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સીયસને પાર જોવા મળ્યો હતો. આ મહિનામાં છેલ્લા 29 દિવસમાં સરેરાશ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સીયસ જેટલુ રહ્યું હતું અને 26 દિવસ ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સીયસથી વધારે નોંધાયો હતો. રાજકોટમાં 28 એપ્રિલના રોજ 46.2 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાતા ગરમીનો 133 વર્ષનો રેકોર્ડ તુટ્યો હતો.
ભારતીય હવામાન વિભાગના ડેટા પ્રમાણે આ મહિનામાં 26 દિવસ તાપમાન 40 ડિગ્રી કરતા વધુ નોંધાયું હતું. જેમાં છેલ્લા અઠવાડિયામાં જોઈએ તો 22 એપ્રિલના રોજ 43 ડિગ્રી, 23 એપ્રિલના રોજ 44 ડિગ્રી, 24 એપ્રિલના રોજ 42 ડિગ્રી, 25 એપ્રિલના રોજ 43 ડિગ્રી, 26 એપ્રિલના રોજ 44 ડિગ્રી, 27 એપ્રિલના રોજ 44 ડિગ્રી, 28 એપ્રિલના રોજ 45 ડિગ્રી, 29 એપ્રિલના રોજ 45 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ વર્ષે એપ્રિલ મહિનામાં સામાન્ય કરતા 3.5 ડિગ્રી જેટલુ ઉંચુ તાપમાન નોંધાયું હતું.
લઘુતમ તાપમાન 25થી 27 ડિગ્રી વચ્ચે રહેતા રાત્રી દરમિયાન થોડી રાહત રહી હતી. પરંતુ દિવસના મોટાભાગના સમય દરમિયાન અસહ્ય ગરમી નોંધાઈ હતી. રાજકોટ ઉપરાંત રાજ્યના અમદાવાદ, અમરેલી, કંડલા અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો સરેરાશ 40 ડિગ્રી ઉપર રહ્યો હતો. જેના પરિણામે બપોરના સમયે સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ગરમીથી રાહત મેળવવા છાશ, લીંબુપાણી અથવા નારિયેળપાણી જેવા પ્રવાહી લઈને શરીરને હાઈડ્રેટ રાખવા પ્રયાસો કર્યા હતાં. સરકાર તરફે પણ હિટવેવથી બચવા માટે માર્ગદર્શીકાઓ જાહેર કરાઈ હતી.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજનો દિવસ હિટવેવની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. પરંતુ આવતી કાલથી ત્રણ દિવસ સુધી તાપામાનમાં સામાન્ય બેથી ત્રણ ડિગ્રી જેવો ઘટાડો થવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. અને આગામી મે મહિનામાં એપ્રિલ કરતા પણ વધુ ગરમી પડે તો ફરીથી તાપમાનનો નવો રેકોર્ડ બને તેવી શંકા પણ વ્યક્ત કરાઈ છે.