For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આટકોટની પરવાડિયા હોસ્પિટલમાં 150 બેઠકની મેડિકલ કોલેજને મંજૂરી

01:01 PM Sep 09, 2025 IST | Bhumika
આટકોટની પરવાડિયા હોસ્પિટલમાં 150 બેઠકની મેડિકલ કોલેજને મંજૂરી

હોસ્પિટલ દ્વારા 3 લાખથી વધુ દર્દીનારાયણની સેવા અને 10,000 થી વધુ મેજર સર્જરી કરાઇ

Advertisement

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામમાં આવેલી સુપ્રસિદ્ધ કે.ડી. પરવાડિયા હોસ્પિટલને તબીબી શિક્ષણ ક્ષેત્રે એક મોટી સફળતા મળી છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોઘરા મેડીકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર ના નામે મેડિકલ કોલેજ શરૂૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વેગ મળશે.

આ નવનિર્મિત મેડિકલ કોલેજ ચાલુ શૈક્ષણિક સત્ર 2025-26થી જ કાર્યરત થશે, જેમાં MBBS અભ્યાસક્રમ માટે કુલ 150 બેઠકો ઉપલબ્ધ થશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ એક મેડીકલ કોલેજની મંજુરી મળતાં આ વર્ષથી જ આ કોલેજમાં MBBS ના 150 તબીબી વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે, જેથી સ્થાનિક વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ માટે દૂરના શહેરોમાં જવું નહીં પડે અને તેમને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે.
કે.ડી. પરવાડિયા હોસ્પિટલના ટ્રસ્ટી અને આ પ્રોજેક્ટના મુખ્ય સંચાલક ડો ભરતભાઈ બોઘરા એ જણાવ્યું હતું કે, "અમને અત્યંત આનંદ છે કે ત્રણ વર્ષ પહેલા આટકોટ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. ત્યારે તેમણે જે અમારા ઉપર વિશ્વાસ દર્શાવેલ હતો જે અમોએ અક્ષરશ: પુરો કરવાનો સનિષ્ઠ પ્રયાસ કર્યો છે અને અમોએ આ હોસ્પિટલના માધ્યમથી છેલ્લાં ત્રણ વર્ષના સમયગાળામાં આશરે 3.0 લાખથી વધુ દર્દીનારાયણને તબીબી સારવાર આપવાનું અને 10,000 થી વધુ મેજર સર્જરી કરી આરોગ્યને લગતી સમસ્યા નિવારવા અમો સહભાગી થયા છીએ.

Advertisement

આ પ્રસંગે, હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ પ્રોજેક્ટને સાકાર કરવામાં સહયોગ આપનાર તમામ સરકારી અધિકારીઓ, તબીબી નિષ્ણાતો અને સ્થાનીય સમુદાયનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મેડિકલ કોલેજની સ્થાપનાથી આસપાસના ગામોમાં આરોગ્ય સંભાળની સુવિધામાં સુધારો થશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement