રાજકોટ જિલ્લામાં શિક્ષકોની ઘટ વચ્ચે માત્ર 26 વિદ્યાસહાયકોને નિમણૂક ઓર્ડર
શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં વિદ્યા સહાયકની ભરતી પ્રક્રીયા કરવામાં આવી હતી. શાળાઓમાં પ્રથમ સત્ર શિક્ષકોની અછત વચ્ચે પુર્ણ થયું છે ત્યારે બીજા સત્રમાં શિક્ષકોની અછત ન રહે તે માટે નિમણુંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં રાજકોટ જિલ્લામાં ધો.6 થી 8ની સરકારી શાળામાં માત્ર 26 વિદ્યાસહાયકોને નિમણુંક પત્ર એનાયત કરાયા હતા.
રાજકોટ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવાના ઉદ્દેશ્યથી, ધોરણ 6થી 8માં ખાલી પડેલી વિદ્યાસહાયકોની જગ્યા પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતીના અનુસંધાને, બુધવારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કુલ 26 ઉમેદવારને નિમણૂકના ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. આ નિમણૂક પત્રો મળવાથી જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછતનો પ્રશ્ન હળવો થશે અને વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યને વેગ મળશે.
આ વિદ્યાસહાયકોમાં ભાષા વિષયના 19 અને સામાજિક વિજ્ઞાન વિષયના 7 ઉમેદવારનો સમાવેશ થાય છે. કુલ 26 ઉમેદવારને જિલ્લાની જુદી જુદી સરકારી શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો માટે વિદ્યાસહાયક તરીકેની નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂક પત્રોનું વિતરણ રાજકોટ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ઉઙઊઘ) દીક્ષિત પટેલ અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક વાણવીના હસ્તે કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ નિમણૂક પામેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને ઉત્સાહપૂર્વક શિક્ષણ કાર્યમાં જોડાઈને ભાવિ પેઢીના ઘડતરમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
