દ્વારકા જિલ્લાની 175 આંગણવાડીની બહેનોને નિમણૂકપત્રો કરાયા એનાયત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9000 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા.
રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઈઝ યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટ ખાતે યોજાયેલા ઝોન કક્ષાના કાર્યક્રમમાં 2336 આંગણવાડી બહેનોને અન્ન અને નાગરિક પુરવઠો તથા ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી રમણભાઈ સોલંકી તથા આમંત્રિતોના હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની 175 બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
રાજકોટ ઝોનના 12 જિલ્લા તથા 3 મહાનગરપાલિકાના કુલ 2336 આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનોને આજના કાર્યક્રમમાં આમંત્રિતોના હસ્તે નિમણૂકપત્રો અપાયા હતા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરાયું હતું, જ્યાં રાજ્યભરના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 4 ઝોનના 9 હજારથી વધુ આંગણવાડી બહેનોને નિમણૂકપત્રો અપાયા હતા.