રાજકોટના લોકમેળાનું નામ આપવા લોકોને અપીલ
તા.1 ઓગસ્ટ સુધીમાં એન્ટ્રી મોકલી શકાશે
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં તા. 14થી 18 ઓગસ્ટ દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાની પ્રથાને અનુસરતા આ વર્ષે પણ નગરજનો પાસેથી આકર્ષક શીર્ષક મંગાવવામાં આવે છે. નગરજનોએ રાજકોટના લોકમેળા માટેનું આકર્ષક શીર્ષક તા. 1 ઓગસ્ટ 2025ના રાત્રે 23.59 કલાક સુધી ઈમેલ lokmela rajkot gmail.com પર મોકલવાનું રહેશે. શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય તથા સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, રહેણી-કરણી, લોકજીવનને અનુરૂૂપ હોવું જોઇએ. દરેક સ્પર્ધક એક જ શીર્ષક સૂચવી શકશે.ઈમેલમાં લોકમેળાના શીર્ષક સાથે પોતાનું નામ, પૂરું સરનામું, ઉંમર, મોબાઈલ નંબર ખાસ લખવાના રહેશે. સમય મર્યાદા બાદ આવેલા નામોનો સમાવેશ થઈ શકશે નહીં. પ્રાપ્ત થયેલી એન્ટ્રીમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. લોકમેળાના નામની પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે. વિજેતા સ્પર્ધકને યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવશે.
તા. 26 થી 28 જુલાઈ દરમિયાન યોજાશે ડ્રો અને હરરાજી
લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. 14/08/2025 થી 18/08/2025 સુધી પાંચ દિવસ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ/પ્લોટ માટે સમિતિ દ્વારા હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-એ (ખાણીપીણી મોટી), કેટેગરી બી-1 કોર્નર ખાણીપીણી, કેટેગરી-એકસ આઇસ્ક્રીમ તથા કેટેગરી- ઝેડ (ટી- કોર્નર)ની હરરાજી તા.26/07/2025 શનિવાર સવારે 12:30 કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈ, એફ, જી અને એચના પ્લોટની હરરાજી તા.27/07/2025 રવિવારના સવારે 11:30 કલાકે રાખવામાં આવી છે. આ ઉપરાંત તા.28/07/2025 સોમવારના રોજ સવારે 11:30 કલાકે કેટેગરી-બી રમકડાના સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણી નાની, કેટેગરી-જે મધ્યમ ચકરડીના પ્લોટ, કેટેગરી-કેની નાની ચકરડીના પ્લોટનો ડ્રો યોજાશે. આ તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી મિટિંગ હોલ, પ્રાંત કચેરી, રાજકોટ (શહેર-1)જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે યોજાશે.