રાજકોટમાં ડેન્ગ્યુ વધુ એક યુવકને ભરખી ગયો
સપ્તાહ પૂર્વે જ ઓરિસ્સાથી મજૂરી અર્થે આવેલો તાવની બીમારીમાં સપડાતાં મોત
રાજ્યભરમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળાએ માજા મૂકી છે. રોગચાળો જીવલેણ બની રહ્યો હોય તેમ રાજકોટમાં આઠ દિવસ પૂર્વે જ મજૂરી અર્થે આવેલા શ્રમિક યુવકનું ડેન્ગ્યુની બીમારીથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર બાલાજી હોલ પાછળ ઋષિવિલામાં રહેતા બસંત અતિનભાઈ પોઢ નામનો 32 વર્ષનો યુવાન ડેન્ગ્યુની બીમારીમાં સપડાતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવકે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ આ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બસંત પોઢ બે ભાઈમાં મોટો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વસંત પોઢ મૂળ ઓરિસ્સાનો વતની હતો. અને આઠ દિવસ પૂર્વે જ મજૂરી કામ કરવા માટે આવ્યો હતો અને છેલ્લા ચાર દિવસથી તાવની બીમારીમાં સપડાયા બાદ તેને ડેન્ગ્યુની અસર થતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.