વધુ એક મહિલા બની અંધશ્રદ્ધાનો ભોગ!! તબિયત બગડતા પરિવારજનો દોડ્યા ભુવા પાસે, 28 વર્ષીય પરણિતાનું થયું મોત
આજના ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ અનેક વખત સામે આવતાં હોય છે. અ પ્રથાના કારણે આજે પણ અનેક લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે મહીસાગરમાંથી એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. મહીસાગરના મોટા ખાનપુર ગામમાં અંધશ્રદ્ધાએ એક પરણિતાનો ભોગ લીધો છે. મોટા ખાનપુર ગામના 28 વર્ષીય પિન્કી બેન રાવળ નામની યુવતી અંધશ્રદ્ધાનો શિકાર બની. અંધશ્રદ્ધાનો ભોગ બન્યાના કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર મહિસાગરના મોટા ખાનપુરમાં એક 28 વર્ષીય પિન્કીબેન રાવળ નામની પરણિતા અંધશ્રદ્ધાનો ભોગ બની. પરણિતાને શરીરમાં દુખાવો થતો હોવાથી પરિવારજનો તેને હોસ્પિટલ લઇ જવાના બદલે સગા-સંબંધીઓના કહેવાથી ભુવા પાસે લઇ ગયા હતા. માલપુરના પીપરાણા પાસે ભુવાજી રહેતા હોવાથી પરણિતાને ત્યાં લઇ ગયા હતા. ત્યારબાદ ભુવાજીએ તેમને આંકડિયાના મૂળ પીવડાવતા પરિણીતાની તબિયત બગડી અને તે બેહોશ થઈ ગઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.
ત્યારબાદ ગંભીર હાલતમાં યુવતીને સારવાર અર્થે પહેલા મોડાસા પછી વડોદરા અને છેલ્લે અમદાવાદ લઈ જવામાં આવી હતી, પરતું પરણિતાનો જીવ બચી શક્યો ન હતો અને પરણિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.