સેલ્ફીના ચક્કરમાં વધુ એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો; ન્યારી ડેમમાં ડૂબી જવાથી મોત
મિત્રો સાથે નાહવા ગયા બાદ ઘટી ઘટના; બચાવવા પડેલો યુવાન પણ ડૂબતા મિત્રએ બચાવી લીધો
રાજ્યભરમાં સેલ્ફીના ચક્કરમાં અનેક લોકોએ જીંદગી જોખમમાં મુકી જીવ ગુમાવ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતાં અને ધો.12માં અભ્યાસ કરતાં 19 વર્ષનો યુવાન ગઈકાલે ત્રણ મિત્રો સાથે ન્હાવા ગયો હતો જ્યાં સેલ્ફી લેતી સમયે વિદ્યાર્થી ડૂબ્યો હતો. મિત્રને બચાવવા પાણીમાં પડેલો અન્ય યુવક પણ ડૂબવા લાગ્યો હતો પરંતુ અન્ય મિત્રએ તેને બચાવી લીધો હતો.
જ્યારે ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલા ધો.12નાં વિદ્યાર્થીનું મોત નીપજતાં પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ પર ગોરર્ધન ચોક નજીક આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતાં હર્ષ મંગલપ્રસાદ દુબે નામનો 19 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના ત્રણ મિત્રો સાથે ન્યારી ડેમે ન્હાવા માટે ગયો હતો. જ્યાં કણકોટ ગામ રામનગર વાળા રસ્તે ન્યારી ડેમમાં હર્ષ દૂબે સેલ્ફી લેતો હતો તે દરમિયાન અકસ્માતે ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
હર્ષ દૂબેને બચાવવા તેનો મિત્ર ગૌતમ પાણીમાં પડયો હતો. તે પણ ડૂબવા લાગતાં મિત્ર અમને ગૌતમને બચાવી લીધો હતો. જ્યારે હર્ષ દૂબેનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ તાલુકા પોલીસ મથકની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે મૃતક યુવકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક હર્ષ દુબે મુળ ઉત્તરપ્રદેશનો વતની હતો અને ત્રણ ભાઈ બે બહેનમાં નાનો હતો. હર્ષ દૂબેનો ભાઈ રાજકોટમાં ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. હર્ષ દૂબે ઘરે બેઠા ધો.12માં અભ્યાસ કરી પરીક્ષાની તૈયારી કરતો હતો અને તેના ભાઈને ટ્રાન્સપોર્ટમાં મદદ કરતો હતો. ગઈકાલે હર્ષ દૂબે મિત્રો સાથે ન્યારી ડેમમાં ન્હાવા ગયો હતો ત્યારે સેલ્ફીના ચક્કરમાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.