વધુ એક અશાંતધારા વિસ્તારમાં મિલકતોનું વિધર્મીઓને વેચાણ
ન્યુ કેદારનાથ સોસાયટીના રહીશોએ કલેક્ટરને આપેલું આવેદન: અમુક દલાલો-વકીલો અને નોટરી વેચાણ કરાર કરતા હોવાની રજૂઆત
રાજકોટ શહેરમાં અશાંતધારાનો ચુસ્ત અમલ થતો નહીં હોવાનો વધુ એક સોસાયટીના રહીસોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ફરિયાદ કરી છે.
કોઠારિયા રોડ ઉપર આવેલ ન્યુ કેદારનાથ સોસાયટીના રહીસોએ કલેક્ટરને આવેદન પત્ર આપી જણાવેલ છે કે, સરકારના આદેશ અનુસાર રાજકોટ શહેરના વોર્ડ નં. 16ના કોઠારિયા રોડ પરની ઘણી બધી સોસાયટીમાં અશાંતધારો લાગુ પાડવામાં આવેલ છે. પરંતુ આ કાયદાનું પાલન થતું નથી. છેલ્લા થોડા સમયથી ન્યુ કેદારનાથ સોસાયટીમાં વિધર્મીઓ દ્વારા મકાન ખરીદવામાં આવે છે. જેની ફરિયાદ સોસાયટી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવેલ છે. આ અનુસંધાને ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. આમ છતાં જમીન મકાન લે-વેચના એજન્ટો (દલાલો) દ્વારા હજુ પણ મકાનનું વેચાણ કરવામાં આવે છે. અને ન્યુ કેદારનાથ સોસાયટી તથા ન્યુ સાગર સોસાયટી વચ્ચે આવતા 40 ફૂટ રોડ પર પાંચથી છ મકાનનું સોસાયટીના રહીશોને ગેરમાર્ગે દોરી વેચાણ કરેલ છે. તો સમગ્ર સોસાયટીના રહીશોની માંગણીને ધ્યાનમાં લઈ આ મકાનના વેચાણ કરાર રદ કરવા રજૂઆત કરાઈ છે.
આ ઉપરાંત આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં અમુક નોટરી અને વકીલો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી વિધર્મીઓને મકાન વેચાણના કરાર કરવામાં આવે છે. એવા વકીલોને તાત્કાલીક ધોરણે સૂચના આપી આવા કરાર ન થાય તે બાબતે જાણ કરવા માંગણી કરાઈ છે.
આ ઉપરાંત રહીશોએ તેઓની સોસાયટી આશરે 35 વર્ષ જૂની હોય સોસાયટીની આજુબાજુની મોટા ભાગની સોસાયટીની સનદો આવી ગયેલી છે. તો અમારી સોસાયટી વહેલી તકે રેગ્યુલાઈઝેશન કરવા પણ માંગણી કરી છે.