શિક્ષણ સહાયક ભરતીમાં મેરિટમાં રહેલા ઉમેદવારોને શાળા પસંદગીની વધુ એક તક
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા ’શિક્ષણ સહાયક ભરતી 2024’ પ્રક્રિયામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ઉમેદવારો મેરિટમાં હોવા છતાં મર્યાદિત વિકલ્પોના કારણે શાળા મેળવવાથી વંચિત રહી ગયા હતા અથવા જેઓ પ્રતિક્ષાયાદી (વેઈટિંગ લિસ્ટ) માં સામેલ છે, તેમને સ્કૂલ ચોઈસ ફિલિંગની વધુ એક તક આપવામાં આવી છે. ઉમેદવારો હવે 10 થી12 ડિસેમ્બર, દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની મનપસંદ શાળાઓ પસંદ કરી શકશે.
ભરતી સમિતિના જણાવ્યા અનુસાર, આ તબક્કામાં બે પ્રકારના ઉમેદવારો ભાગ લઈ શકશે. પ્રથમ, એવા ઉમેદવારો જેમનું નામ મેરિટ લિસ્ટમાં હતું પરંતુ મર્યાદિત સંખ્યામાં શાળાઓ પસંદ કરવાને કારણે તેમને કોઈ શાળા ફાળવવામાં આવી ન હતી (જેમને List A માં મૂકવામાં આવ્યા છે). બીજા, એવા ઉમેદવારો જેમને 23 સપ્ટેમ્બર, 2025 ના રોજ જાહેર કરાયેલી પ્રતિક્ષાયાદી માં સ્થાન મળ્યું છે. આ બંને કેટેગરીના ઉમેદવારો હવે ખાલી પડેલી જગ્યાઓ માટે પોતાની દાવેદારી નોંધાવી શકશે.
પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે શાળા પસંદગીની લિંક આજથી સક્રિય થશે. ઉમેદવારો તા.10 થી 12ના રોજ રાત્રે 11:59 કલાક સુધી ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે. આ માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://gserc.in/ પર લોગ ઈન કરવાનું રહેશે. ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ જોઈ શકશે અને અગ્રતાક્રમ (Merit cum Preference) મુજબ અમર્યાદિત સંખ્યામાં શાળાઓ પસંદ કરી શકશે.
અગાઉ 27 જૂન, 2025 ના રોજ PML 2 લિસ્ટ મુજબ ઉમેદવારોને શાળાઓ ફાળવવામાં આવી હતી. જોકે, ત્યારબાદ પણ ઘણી જગ્યાઓ ખાલી રહી હતી અને કેટલાક મેરિટ ધરાવતા ઉમેદવારો શાળા ફાળવણીથી વંચિત રહ્યા હતા. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA NO. 13456/2025ના સંદર્ભમાં ભરતી પસંદગી સમિતિની 13 નવેમ્બર, 2025 ના રોજ એક બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મર્યાદિત વિકલ્પોને કારણે જેમને શાળા નથી મળી, તેવા ઉમેદવારોને નવેસરથી તક આપવી જોઈએ. આ નિર્ણયના અનુસંધાને 'List A' તૈયાર કરી વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે અને હવે શાળા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.