જાફરાબાદ રેન્જમાં વધુ એક સિંહણનું મોત, ગાંધીનગરથી અધિકારીઓ દોડ્યા
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી એક પછી એક બાળસિંહના મોત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક સિંહણના મૃતદેહ મળી આવતા વન વિભાગ હવે સઘન કાર્યવાહી કરી રહ્યું છે. રાજુલાના ઝાંજડા એનિમલ કેર સેન્ટર નજીક અને જાફરાબાદ રેન્જમાં સિંહબાળના મોત થયા હતા. પ્રાથમિક રિપોર્ટ અનુસાર, આ બાળસિંહના મોત એનિમિયા અને ન્યુમોનિયાને કારણે થયા હતા.
રાજુલાના માંડરડી ગામની સીમમાંથી એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગે આ સિંહણનું મૃત્યુ કુદરતી હોવાનો દાવો કર્યો છે. આ ઘટનાઓને પગલે સ્થાનિક ધારાસભ્યો હીરા સોલંકી અને જે.વી. કાકડિયાએ વનમંત્રીને પત્ર લખીને રજૂઆતો કરી હતી.સિંહોના મોતની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગાંધીનગરથી પીસીસીએફ જયપાલસિંહ રાઠોડ રાજુલાના ઝાંજડા એનિમલ કેર સેન્ટરે પહોંચ્યા હતા. તેમની સાથે જૂનાગઢના સીએફ રામરતન નાલા, ધારીગીરપૂર્વના ડીસીએફ વિકાસ યાદવ અને શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ધનંજય સાધુ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. આ અધિકારીઓની ટીમે જાફરાબાદ રેન્જ અને રાજુલા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓ ગીરપૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા છે અને કેટલા સિંહ બીમાર છે તેની તપાસ કરી રહ્યા છે.
વન વિભાગ દ્વારા સિંહોના મોત કેવી રીતે થયા અને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવશે, તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.ગુજરાતમાં સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં નોંધાય છે, ત્યારે સિંહોના મોતની ઘટનાઓથી સિંહપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં રોષનો માહોલ છે. રાજ્ય સરકારે પણ સિંહોના મોત કેવી રીતે અટકાવી શકાય તે અંગે કડક આદેશો આપ્યા છે. પીસીસીએફ જયપાલસિંહે અધિકારીઓ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરો અને સ્થાનિક ખેડૂતો સાથે પણ બેઠકો યોજી હતી. જયપાલસિંહ રાઠોડે જણાવ્યુ: હતુ કે તેમણે રેસ્કયુ કરીને રાખવામાં આવેલા એનિમલ્સ પણ જોયા છે અને તેઓ બધા સ્વસ્થ છે.