વધુ એક તથ્યકાંડ, આણંદમાં નશાખોર નબીરાની કારે સાતને ઉલાળ્યા, 4નાં મોત
અભ્યાસ માટે લંડન જતા પહેલાં જેનિશ પટેલ પાર્ટીમાંથી પરત આવતો હતો, 3 ધવાયા
ગુજરાત મિરર, આણંદ તા.7
થોડા મહિલા પહેલા જ અમદાવાદમાં તથ્ય પટેલે મોટો અકસ્માત સર્જ્યો હતો. હવે આવો જ એક અકસ્માત આણંદ માં પણ સામે આવ્યો છે. આણંદ શહેરથી અડીને આવેલા નાવલી ગામ પાસે ગુરુવારે એક બેફામ ચાલી રહેલી ગાડીએ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ફૂલ સ્પીડમાં આવી રહેલી ગાડીએ 7 જણાને કચડી નાખ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 4 જિંદગીઓ હોમાઈ ગઈ છે. ઘણા બધા અકસ્માતો એવા બન્યા છે જે માનવ મન પર ઘેરી છાપ છોડી ગયા છે. આવો જ એક અકસ્માત અમદાવાદના એસ જી હાઇવે પર તથ્ય પટેલ નામના નબીરા દ્વારા સર્જાયો હતો. ત્યારે હવે આવી જ હૃદય દ્રવી ઉઠે તેવી ઘટના આણંદ જિલ્લામાં પણ સામે આવી છે. જ્યાં એક ઐયાશ નબીરાએ નાવલી ગામ નજીક અકસ્માત સર્જીને 4 જિંદગીઓનો ભોગ લીધો છે. આ નબીરાની ઐયાશીના કારણે માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ છે. નાવલી નાપાડ દહેમી પાસે ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનીશ પટેલે બેફામ ગાડી હાંકીને 7 વ્યક્તિઓને કચડી નાખ્યા હતા. જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા, અને 2 વ્યક્તિઓએ બાદમાં દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે અમદાવાદના તથ્ય કાંડની યાદો તાજી થઈ ગઈ છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા સહકારી આગેવાનના પુત્ર જેનીશ પટેલની સામે ઈંઙઈ કલમ 304 (સાપરાધ માનવ વધ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નાપાડ ગામના સહકારી આગેવાના પુત્ર જેનીસ પટેલ આગામી દિવસોમાં લંડન અભ્યાસ અર્થે જવાનો હતો. જેથી શુક્રવાર રાત્રે તેના મિત્રો સાથે પાર્ટી કરવા માટે આણંદ (અગઅગઉ) તરફ ગયો હતો. ત્યારે પાર્ટી કર્યા પછી પરત ફરતી વખતે નાપાડ નાવલી રોડ દહેમી પાસે 3 બાઈકો જતાં હોવા છતાં અર્ટિગા ગાડીને બ્રેક મારીને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. આ નબીરાએ એક પછી એક 3 બાઇકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થયા છે. જેમાં અરવિંદ ઉર્ફે પિન્ટો, અંકિતા વાલજી બલદાશિયા, જતીન લાલજી તડિયા અને ભરત પરમારનો સમાવેશ થાય છે. થોડા સમય બાદ લંડન જવાનો હોવાથી જેનીશ પટેલ છેલ્લા કેટલાંક સમયથી બેફામ બન્યો હતો. ગુરુવારે પાર્ટી કરીને પરત ફરતા જેનીશ પટેલ નશામાં હોવાનું સામે આવી રહ્યું છે. જેથી પોલીસે જેનીશ પટેલની ખાનગી હોસ્પિટલ બહારથી અટકયત કરી છે, આ ગમખ્વાર અકસ્માતમાં સાથે ભણતા વિધાર્થીનું આકસ્મિક સંજોગોમાં દર્દનાક મોત નિપજ્યું હોવાથી વિદ્યાર્થીઓમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત હોમિયોપેથીક કોલેજ કે જ્યાં મૃતક વિદ્યાર્થીઓઓ ભણતા હતા. ત્યાંના સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં બેનર તથા પોસ્ટર સાથે મૃતકોને શાંતિ પૂર્ણ રીતે મૌન શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આણંદમાં કોલેજના પાછળના ભાગે રોકડીયા હનુમાન મંદિર પાસે એકઠા થયેલા વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી કે અકસ્માત સર્જનાર જેનીશ પટેલને ફાંસી આપવામાં આવે અને સરકાર દ્વારા કડક સજા ફટકારવામાં કોઈ કસરના રાખવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા કાર ચાલક અકસ્માત સમયે નશાની હાલતમાં હતો તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
અહીં પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળે મૃત્યુ પામનાર અરવિંદ ઉર્ફે પિન્ટો જેના ખિસ્સામાંથી 5 જીવતી કારતુસ મળી આવી હતી. જેથી આણંદ જિલ્લા પોલીસે વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આણંદ જિલ્લા પોલીસ વડા અતુલ બંસલે આ મામલે કહ્યું કે ,આરોપી ભારતીય નાગરીક છે અને અભ્યાસ કરવા વિદેશ જવાનો હતો. આ ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસમાં પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાઇન્ટીફીક રીતે સમગ્ર ઘટનામાં પુરાવા એત્રીત કરાશે.