સરકારી ભરતીની વધુ એક પરીક્ષા શંકાના ઘેરામાં
અમદાવાદ મનપામાં જુનિયર ક્લાર્કની ભરતી માટે આજે અમદાવાદના અલગ અલગ સેન્ટર પર પરીક્ષ લેવામાં આવી હતી. જેમાં સરખેજમાં આવેલી કુવૈસ પ્રાથમિક-માધ્યમિક શાળાના કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને આપવામાં આવેલી ઓએમઆર સીટ, પ્રશ્નપત્ર અને બેઠક ક્રમાંકમાં ફેરફાર હોય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને પરીક્ષા કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા. પરીક્ષાર્થીઓએ પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને 300 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હોય પરીક્ષા ફરીથી યોજવાની માગ કરી હતી.
જો કે, અમદાવાદ મનપાના અધિકારીએ પેપર ફૂટ્યાની વાતને નકારી હતી. કુવૈસ પ્રાથમિક શાળાના કેન્દ્ર પર પરીક્ષા દરમિયાન થયેલા હોબાળા મામલે ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિ સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા. જેમાં આ પરીક્ષા ફરીથી નહી લેવાનો નિર્ણય કરાયો છે. GUPECના ઓએસડીએ બેઠક બાદ કહ્યું હતું કે, ગણતરીના લોકોના વિરોધના કારણે લાખો પરીક્ષાર્થીઓને અન્યાય નહીં થાય.
સરખેજમાં આવેલી કુવૈસ પ્રાથમિક-માધ્યમિક શાળાના કેન્દ્ર પર પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે, અમદાવાદ મનપાના વહીવટી વિભાગના ડેપ્યુટી કમિશનર આર્જવ શાહે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું કોઈ પેપર ફૂટ્યું નથી. સરખેજ વિસ્તારમાં આવેલા એક પ્રાથમિક શાળાના સેન્ટર ઉપર બે-ચાર વિદ્યાર્થી દ્વારા ઓએમઆર શીટ (આન્સર સહિત)ના નંબરને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો.