મનપાના પાપે વધુ એક પરિવારનો માળો પીંખાયો; ગટરની ખુલ્લી કુંડીમાં બાઇક ઘૂસી જતા અખબારી એજન્ટનું મોત
રાજકોટમાં અકસ્માતોની ઘટના બિનબદિન વધી રહી છે. તાજેતરમાં જ દિલ્હી આઇઆઇટી દ્વારા કરાયેલા સર્વેમાં રાજકોટમાં છેલ્લા 8 મહીનામાં 101 પ્રાણઘાતક અકસ્માતો સર્જાયાના અહેવાલ મળ્યા છે. મોટા ભાગના અકસ્માતો માટે અયોગ્ય રોડ અને વાહન ચાલકોની બેદરકારી હોવાનું સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ત્યારે મનપાની બેદરકારીએ વધુ એક ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષરનગરમાં ગટરની ખુલ્લી કુંડીમાં બાઈક ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં અખબારી એજન્ટનું મોત નીપજ્યું હતું. વૃદ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષરનગર મેઇન રોડ પર હીરાના બંગલા પાસે રહેતા વનરાજસિંહ ઉદેસિંહ જાડેજા (ઉ.વ.60) નામના અખબારી એજન્ટ ગત તા.2ના રોજ વહેલી સવારે 5.45 વાગ્યે પ્રેસમાં પોતાની ફરજ બજાવીને ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે તેમની શેરીમાં નદીની જેમ પાણી વહી રહ્યા હતા અને તેના પરિણામે મહાનગરપાલિકાએ બેદરકારીથી ખુલ્લી મૂકી દીધેલી ગટરના મેઇન હોલના ઢાંકણા પાણીના વહેણમાં ઢંકાઇ જતા દેખાયા ન હતા અને બાઇક તેમની સાથે અથડાતા ખુલ્લી ગટરમાં બાઇક ખાબક્યું હતું અને વનરાજસિંહ તેના પરથી ફંગોળાતા પેટમાં બાઇકનું હેન્ડલ લાગતા બે પાંસળી તૂટી જતા ગંભીર ઇજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દસ દિવસની સારવાર બાદ વનરાજસિંહનું કરુણ મોત નીપજ્યું હતું. અખબારી જગતમાં સારી લોકપ્રિયતા ધરાવતા વનરાજસિંહ જાડેજાનું મહાનગરપાલિકાની બેદરકારીથી મૃત્યુ નીપજતા શોકની લાગણી પ્રસરી ગઇ છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક વનરાજસિંહ જાડેજા ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અને તેઓ પ્રેસમાં એજન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને ઘટનાના દિવસે પ્રેસનું કામ પતાવી વહેલી સવારના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બાઈક કુંડીમાં ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ કરી છે.