વધુ એક નકલી ટોલનાકુ ઝડપાયું, કચ્છમાં ટોલ પ્લાઝાની બાજુમાં ખાનગી રોડ બનાવી દેવાયો
ગુજરાતમાં થોડા દિવસો અગાઉ જ વાંકાનેર-મોરબી હાઈવે પર નકલી ટોલનાકાનું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે હવે રાજ્યમાં વધુ એક નકલી ટોલાનાકાનો પર્દાફાશ થયો છે. ઘટના સામે આવતા જ તંત્ર દોડતું થયું છે. કચ્છના ભુજ-નલિયા રોડ પર આવેલા ટોલનાકાની નજીક એક ખાનગી જમીન પર ખાનગી રોડ બનાવી દેવાયો છે. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે, આ સમગ્ર નકલી ટોલ પ્લાઝાની રમત રાજકીય નેતાઓના ઈશારે ચાલી રહી છે.
ભુજ-નલિયા હાઇવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. ખાસ કરીને અહીંથી પવનચક્કીની મોટી ટ્રકો, મીઠાની ટ્રકો સહિતના અનેક વાહનો આ રોડ પરથી પસાર થાય છે. મળતી માહિતી અનુસાર, અહીં કેટલાક લોકો અસલી ટોલ પ્લાઝાથી 200 મીટર દૂર ઉભા રહેતા હતા, જે લોકો ત્યાંથી પસાર થતા વાહનચાલકોને નકલી ટોલ પ્લાઝા પરથી જવા માટે કહેતા હતા. આવી જ રીતે આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, અગાઉ ગુજરાતમાં ગત વર્ષે ડિસેમ્બરમાં વાંકાનેર-મોરબી હાઇવે પર નકલી ટોલનાકું પકડાયું હતું. પોલીસે પણ સરકારની સૂચના બાદ આ કેસમાં ખૂબ જ કડક કાર્યવાહી કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટોલનાકા નજીક કેટલાક લોકો પૈસા લઈને ખાનગી રોડ પરથી રાત્રે ભારે વાહનોને પસાર થવા દેવામાં આવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, મોટા વાહનોના ચાલકોએ નિર્ધારિત ટોલ ટેક્સ ભરવો પડતો નથી. એટલા માટે નકલી ટોલ પ્લાઝાની વૈકલ્પિક વ્યવસ્થા કરીને બીજો રસ્તો બનાવવામાં આવ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વાહનો પસાર કરવા માટે ગેરકાયદેસર રીતે નાણાં વસૂલવામાં આવે છે જેના કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે આ બાબત આજ સુધી કોઈના ધ્યાને કેમ ન આવી?. જોકે આ મામલે જિલ્લા પ્રશાસન તરફથી તપાસના આદેશ અપાયા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે મામલાની તપાસ કરાશે અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે.