અમદાવાદમાંથી બોગસ ડોકટરની વધુ એક નકલી હોસ્પિટલ ઝડપાઇ
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોકટર મેહુલ ચાવડાની વધુ એક નકલી હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. અગાઉ બાવળાના કેરાલા ખાતે અનન્યા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરાયા બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મોરૈયા ગામમાં ચાલતી મેહુલ ચાવડાએ ઊભી કરેલી જનરલ હોસ્પિટલ પણ સીલ કરી દેવાઇ છે. જો કે બોગસ તબીબ અને તેના સાથીદારો ફરાર થઇ ગયા છે.
અમદાવાદ જિલ્લામાં બે સ્થળે વગર ડિગ્રીએ નોન મેડિકલ વ્યક્તિ હોસ્પિટલો ખોલીને બેસી જતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે.જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર દ્વારા બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની બોગસ હોસ્પિટલને શોધી સીલ કરી દેવાઇ છે. અનન્યા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બાદ મોરૈયા હોસ્પિટલની વિગતો બહાર આવી હતી. જો કે અનન્યાની વિગતો બહાર આવ્યા બાદ સાધનો લઈ બોગસ ડોક્ટર સહિતના આરોપી ફરાર થઇ ગયા છે.
દર્દીઓ પાસેથી સારવારના નામે જંગી રકમ લઇને તેમના જીવન સાથે ચેડાં કરતા બોગસ ડોકટરોની બોગસ હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારમાં કેટલો વ્યાપ હશે તે સવાલ છે. મેહુલ ચાવડાની કેરાલા ગામમાં અનન્યા હોસ્પિટલમાં એક સગીરાનું મૃત્યુ પણ થયું હતું. તે પછી ઊહાપોહ થતા નકલી હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો. જો કે તે પૂર્વે બે મહિના સુધી તેણે બે દુકાનમાં બોગસ હોસ્પિટલ ચલાવી દર્દીઓની સારવાર કરી હતી. મોરૈયા ખાતે આઇસીયુ અને 24 કલાક સારવારના બોર્ડ પણ લગાવાયા હતા.