ગુજસીટોકના આરોપી કુખ્યાત જાડેજા બંધુઓ સામે વધુ એક ફરિયાદ
વિભાપરના પટેલ ખેડૂત પાસે 15 લાખના સાડા ત્રણ કરોડ જેવું રાક્ષસી વ્યાજ માગ્યાની ફરિયાદથી ચકચાર
જામનગરમાં સૌ પ્રથમ નોંધાયેલા ગુજસીટોક કેસમાં સંડોવાયેલા કુખ્યાત જાડેજા બંધુઓ જસપાલ જાડેજા અને યશપાલ જાડેજા, કેજો બંને સામે વિભાપરના એક ખેડૂતને ધાકધમકી આપી 15 લાખ રૂૂપિયાનું સાડા ત્રણ કરોડ જેટલું રાક્ષસી વ્યાજ વસૂલવા માટે ધમકી અપાઇ હોવાની અને તેની છ વીઘા ખેતીની જમીન પચાવી પાડવા અંગેનો કારસો રચાયો હોવાનો ત્રણ સામે ગુનો નોંધાયો છે.
કુખ્યાત જાડેજા બંધુઓ તથા અન્ય એક શખ્સ સામે આ ફરિયાદ નોંધાવ્યા બાદ સીટી બી. ડિવિઝન પોલીસે ત્રણ પૈકીના જાડેજા બંધુઓની અટકાયત કરી લઈ રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કર્યા હતા, જે બંનેને જેલમાં ધકેલી દેવાયા છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતા એક પટેલ ખેડૂત કે જેઓને અગાઉ પૈસા ની જરૂૂરિયાત પડતા જામનગરના કુખ્યાત જાડેજા બંધુઓ યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા કે જેઓ બંને અગાઉ ગુજસીટોકના કેસમાં પકડાઈ ચૂક્યા હતા, અને હાલ જામીન ઉપર મુક્ત થયેલા છે. જે બંને આરોપીઓ તથા અશોકચંદારાણા નામના અન્ય એક શખ્સ વગેરેએ પટેલ ખેડૂતને 15 લાખ રૂૂપિયા વ્યાજે આપ્યા બાદ તેનું આશરે સાડાત્રણ કરોડ જેટલા રાક્ષસી વ્યાજ ની રકમ માંગી હતી, અને ખેડૂતને ધાક ધમકી અપાઈ હતી. એટલુંજ માત્ર નહીં, ત્રણેય આરોપીઓએ ખેડૂતની આશરે 7 વિધા જેટલી વિભાપર ગામમાં આવેલી ખેતીની જમીન પણ પચાવી પાડવા માટેનો કારસો રચ્યો હતો.
આખરે આ મામલો જિલ્લા પોલીસવડા સમક્ષ લઈ જવાયો હતો, અને ગુનાની ગંભીરતા ને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ એ આ સંદર્ભમાં સીટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી. ઝા ને તાત્કાલિક અસરથી ગુન્હો નોંધવા માટે આદેશ કર્યો હતો.
જે આદેશ અનુસાર સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં યશપાલસિંહ જાડેજા અને જસપાલસિંહ જાડેજા તેમજ અશોક ચંદારણા સહિત ત્રણેય સામે ગેરકાયદે નાણાં ધિરધાર કરવા ઉપરાંત ખેતીની જમીન પચાવી પાડવા નો કારસો રચવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
આ ફરિયાદ બાદ સીટી બી. ડિવિઝનની પોલીસ ટીમ ઉપરાંત એલ.સી.બી. એસ.ઓ.જી. અને પંચકોસી બી ડિવિઝન પોલીસની ટુકડી દ્વારા સંયુક્ત રીતે કોમ્બિંગ હાથ ધરીને બંને જાડેજા બંધુઓ યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજા ની અટકાયત કરી લીધી હતી, અને બંનેને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં અદાલતે રિમાન્ડ ના મંજૂર કરી હોવાથી બંનેને જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો છે.