જસદણ વ્યાજંકવાદી સામે વધુ એક ફરિયાદ, એક લાખનું 24 હજાર વ્યાજ ચૂકવ્યું છતાં ધમકી
શિવરાજપુરના ખેડૂતે નવ માસ પહેલા 3 ટકા વ્યાજે પૈસા લીધા હતા
રાજકોટ જિલ્લામાં વ્યાજખોરોએ ફરી માથુ ઉચક્યું છે ત્યારે હજુ ગઈકાલે જ જસદણના વ્યાજંકવાદી સામે વ્યાજે આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી પેટે ખેડુતની જમીન લખાવી લીધાની ફરિયાદ નોંધાયા બાદ આજ શાહુકાર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં ખેડુતે 3 ટકાના વ્યાજે પૈસા લીધા બાદ પઠાણી ઉઘરાણી કરી ધમકાવતા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
જસદણના શિવરાજપુર ગામે રહેતા અને ખેતી કરતા નરેશભાઈ મીઠાભાઈ મકવાણા ઉ.વ.32 નામના કોળી યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જસદણના વ્યાજંકવાદી અશોકભાઈ ઉનડભાઈ ધાંધલનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને નવેક માસ પહેલા પૈસાની જરૂરિયાત ઉભી થતાં લાયસન્સ વગર ધીરધારનો ધંધો કરતા જસદણના અશોકભાઈ ધાંધલ પાસેથી 3 ટકાના વ્યાજે એક લાખ રૂપિયા ઉછીના લીધા હતાં. તે પેટે અત્યાર સુધીમાં 24 હજાર રૂપિયા વ્યાજ ચુકવી દીધું છે.
વ્યાજે લીધેલા નાણા અને ચડત વ્યાજની પઠાણી ઉઘરાણી કરી આરોપી દ્વારા અવાર નવાર ગાળો દઈ ધમકી આપતા હોય આ અંગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ ગઈકાલે જ વ્યાજખોર અશોકભાઈ ધાંધલે જસદણના શિવરાજપૂર ગામે દિનેશભાઈ ખોડાભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી. વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી પેટે ત્રણ વિઘા જમીનનું બળ જબરીથી સાટાખત કરાવી લીધું હોવાનું જણાવ્યું છે.