ભાવનગરના સોનગઢમાં જૈન સ્વાધ્યાય મંદિરમાં દવા પી લેનાર બીજા ભાઈનું પણ મોત
ભાવનગરના સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરના કેમ્પસમાં ભાવનગરના બે આધેડ ભાઇઓએ એક સાથે ઝેરી દવા પી લેતા એક ભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાનાભાઇનું પણ વહેલી સવારે મોત નિપજતાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો.
આ બનાવ ની વિગતો એવી છે કે ભાવનગર ના રૂૂપાણી સર્કલ વિસ્તારમાં આવેલ શાંતિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને હાલ બે મહિનાથી સોનગઢના દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ખાતે રહેતા ચેતનભાઇ વિનોદચંદ્ર શાહઉ.વ.61 અને મેહુલભાઇ વિનોદચંદ્ર શાહ ઉ.વ.59 નામના બે સગા આધેડ ભાઇઓએ કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જે બાદ બંન્ને ભાઇઓને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચેતનભાઇનું મોત નિપજ્યું હતું.જે બાદ સારવારમાં રહેલ મેહુલભાઇનું પણ વહેલી સવારના સુમારે દમ તોડી દેતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનામાં સોનગઢ પોલીસે જણાવ્યું હતું કે, હાલ બંન્ને ભાઇઓના મોતનું સ્પષ્ટ કારણ જાણવા મળી રહ્યું નથી પરંતુ પોલીસ દ્વારા મૃતકોના મોબાઇલની કોલ ડિટેઇલ આધારે વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે.