વધુ એક BLOનો ભોગ લેવાયો, સર્વરના ધાંધિયાથી રાત્રે કામ કરતા હાર્ટએટેક આવી ગયો
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન BLOના મોતનો સીલસીલો જારી રહ્યો છે. મહેસાણાના સુદાસણાના શિક્ષકનું હાર્ટએટેકથી નિધન થતા આવી ઘટનાનો આંક અડધોડઝન પહોંચી ગયો છે.
તાલુકાના સુદાસણા ગામના મુખ્ય શિક્ષક અને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવી રહેલા દિનેશ રાવળનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ઘરે બેસીને SIR સંબંધિત કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ, દિનેશ રાવળ સુદાસણા ગામની ક્ધયા શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. હાલ ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન પુનરીક્ષણ (SIR )ની કામગીરી અંતર્ગત તેમને BLOની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. દિવસ દરમિયાન સર્વર બરાબર કામ આપતું ન હોવાથી તેઓ છેલ્લા 2-3 દિવસથી રાત્રે 2 વાગ્યે ઊઠીને ફોર્મ અપલોડ કરવાની કામગીરી કરતા હતા. આ દરમિયાન જ તેઓને રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તેમને ગામના દવાખાને લઈ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટર ઉપલબ્ધ ન હોવાને કારણે સારવાર મળી ન હતી તેથી તેઓ વડનગર સિવિલમાં લઈ ગયા હતા. સિવિલમાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાએ રાજ્યના શિક્ષક જગતમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને ચૂંટણી સંબંધિત કામગીરીના ભારણ અને તેના કારણે થતા માનસિક તણાવ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.