અનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંત
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સજામાફી માટે કાનૂની લડત શરૂ કરશે
સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી બનેલા 37 વર્ષ જુના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં આરોપી અનિરૂધ્ધસિંહ જાડેજાને સરકાર દ્વારા અપાયેલી સજામાફી રદ કરી આજે તા.18મી સુધીમાં જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટે કરેલા હુકમના પગલે આજે અનિરૂધ્ધસિંહ જાડેજાએ જૂનાગઢ જેલમાં સરેન્ડર કર્યુ હોવાનું જાણવા મળે છે.
અનિરૂધ્ધસિંહ જાડેજાના નિકટવર્તી સુત્રોએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ આજે જેલમાં હાજર થવાનો છેલ્લો દિવસ હોવાથી અનિરૂધ્ધસિંહ આજે જૂનાગઢ જેલમાં હાજર થઈ ગયા છે. સુત્રોએ જણાવ્યું હતું કે, જેલમાં જવાના સુપ્રીમ કોર્ટના હુકમનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે અને ત્યાર બાદ બાકીની કાયદાકીય લડત શરૂ કરવામાં આવશે. અમિત ખુંટ આત્મહત્યા કેસમાં પોલીસની પ્રક્રિયા પુરી થયા બાદ સજામાફીના હુકમ અંગે અપીલ સહિતની કાયદાકીય લડત કરવામાં આવશે તેવું તેમના નજીકના સુત્રોએ જણાવ્યું હતું.
ગોંડલમાં 15મી ઓગષ્ટ સને.1988ના રોજ સ્વતંત્રા પર્વની ઉજવણી દરમ્યાન ધ્વજવંદનના કાર્યક્રમમાં કોગ્રેસના પુર્વ ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યાના કેસમાં આજીવન કેસની સજા બાદ અનિરૂૂધ્ધસિંહ જાડેજાની સજામાફી અંગેના કેસમાં હાઈકોર્ટે સજામાફીનો હુકમ રદ કર્યો હતો. બાદમાં સુપ્રિમ કોર્ટ દ્વારા પણ હાઈકોર્ટનો હુકમ ગાહ્ય રાખી એક માસમાં સરેન્ડર કર્યા બાદ સજા માફી અંગે નિર્ણય કરવાનો હુકમ કર્યો હતો જે આજે સરેન્ડર થવાનો છેલ્લો દિવસ હોય સરેન્ડર થયા બાદ ગોંડલ તાલુકા પોલીસ અમીત ખુંટ હત્યા કેસમાં જેલમાંથી કબજો મેળવવા કાર્યવાહી કરશે.
જાણવા મળતી વિગતો મુજબ અનિરૂૂધ્ધસિંહ જાડેજાને ધારાસભ્ય હત્યા કેસમાં સજા માફી મામલે સુપ્રિમ કોર્ટમાંથી રાહત નહી આપતા હાઈકોર્ટે તા.18 સપ્ટેમ્બર પુર્વે સરેન્ડર કરવાના હુકમ કર્યો હતો. જેમા સરેન્ડર કર્યા બાદ સજા માફી અંગેનો નિર્ણય કરવામાં આવશે જેથી અનિરૂૂધ્ધસિંહ જાડેજાને જેલમાં હાજર થવુ ફરજીયાત બન્યુ છે.
ગોંડલમાં કોગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની સને 1988ની સાલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળી ધરબી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂૂધ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી.
જે કેસમાં સરકાર દ્વારા સજા માફી આપવામાં આવી હતી જે નિર્ણયને તાજેતરમાં જ હાઈકોર્ટએ ગેરકાયદે જાહેર કરી ચાર સપ્તાહમાં અનિરૂૂધ્ધસિંહને જેલ સતાવાળાઓ સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો અને તેનો પાસ્ટપોર્ટ પણ સરેન્ડર કરવાના હુકમથી કોર્ટમાં અનિરૂૂધ્ધસિહ જાડેજા એડવોકેટ મારફતે પાસ્ટપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યો હતો.