મોરબીના જીકીયારી ગામે તંત્રએ ખુલ્લો કરેલ રસ્તો બંધ કરાતા રોષ
મોરબી તાલુકાના જીકીયારી ગામે અવરજવર માટેનો રસ્તો ખુલ્લો કરવા અને કોઇપણ અવરોધ ઉભો ના કરવા કાયમી હુકમ કરવામાં આવ્યા છતાં બે ઇસમોએ અવરજવર કરવા ના દઈને મામલતદારના હુકમનું પાલન નહિ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબી તાલુકાના જીકીયારી ગામે રહેતા જયંતીભાઈ શંકરભાઈ બાવરવાએ આરોપીઓ ભૂદર ત્રિભોવનભાઈ બાવરવા અને ભાવેશ ભુદરભાઈ બાવરવા રહે બંને ઝીકીયારી વાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ફરિયાદીની જમીન સર્વે નં 102 પૈકી 2 વાળા ખેતરમાં અવરજવર માટે ગાડા મારગ આરોપીની જમીન સર્વે નં 102 પૈકી 1 માંથી પસાર થતો હોવા છતાં આરોપીઓ ચાલવા દેતા ના હોવાથી ફરિયાદીએ મામલતદાર મોરબી તાલુકા સમક્ષ મામ. કોર્ટ કેસ નં 06/2021 કરતા મામતલદાર મોરબી તાલુકા દ્વારા તા. 21-06-2021 ના રોજ ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર, સાતી, સંચ, ગાડા વિગેરેને અવરજવર કરી સકે તેવો માર્ગ ખુલ્લો કરવા અને રસ્તાની જગ્યામાં કોઈપણ અવરોધ, અંતરાય કે અટકાયત ઉભી ના કરવા કાયમી હુકમ કર્યો છે. છતાં આરોપીઓ દ્વારા ગત તા. 15-11 થી અવરજવર કરવા દેતા નથી અને મામલતદાર મોરબી તાલુકાના હુકમનું પાલન ના કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે