ઓખા-રાજકોટ ચાલુ ટ્રેનમાંથી અજાણ્યો શખ્સ મહિલાનું પર્સ તફડાવી નાશી છૂટ્યો
રાજકોટ નજીક ખંઢેરી રેલવે સ્ટેશન પાસે ઓખા-રાજકોટ ચાલુ ટ્રેનમાંથી બોટાદની મહિલાના 55 હજારના પર્સની તફડચી કરી અજાણયો શખ્સ ચાલુ ટ્રેનમાંથી ઉતરી ફરાર થઇ ગયો હતો. આ અંગે મહિલાએ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણયા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ બોટાદમાં ગઢડા રોડ પર ગુરુકુળ પાછળ ગોપીનાથ નગરમાં રહેતા અને ટ્યુશન કલાસીસ ચલાવતા રીમાબેન સંજયભાઇ શેખ (ઉ.વ.26)નામના મહિલાએ રાજકોટ રેલવે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.19ના તેઓ તેના પુત્ર અને ભાઇ સાથે દિવાળી વેકેશન હોવાથી તેના પિતા ભાટીયા ગામે રહેતા હોય ત્યા આટોમારવા ગયા હતા. જયાથી ગઇકાલે રાત્રે રાજકોટ આવવા માટે ઓખા-રાજકોટ ટ્રેનમાં બેસી આવતા હતા ત્યારે તેમનુ લેડીસ પર્સ જેમાં આઇફોન-13 મોબાઇલ અને રૂા.25 હજારની રોકડ હતી તે પર્સ શીટ ઉપર રાખ્યુ હતું.
દરમિયાન ટ્રેન ખંઢેરી રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે ધીમી પડતા અજાણયો શખ્સ જેને સફેદ કલરનો શર્ટ અને બ્લુ જીન્સ પહેરલુ હતુ તેણે ફરિયાદની નજર ચૂકવી ચાલુ ટ્રેનમાંથી ઉતરી જઇ નાશી છૂટ્યો હતો. આમ અજાણયો શખ્સ મહિલાનુ પર્સ જેમાં મોબાઇલ અને રોકડ મળી રૂા.55 હજારની તફડચી કરી ગયો હયો આ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
