નાગ પાંચમના દિવસે સરમાળીયા દાદાના મંદિરે અફીણ પીધા બાદ તાવની પાંચ ગોળીઓ પી લેનાર વૃધ્ધનું મોત
હળવદના શરભંડા ગામની ઘટના; વૃધ્ધે સારવારમાં દમ તોડતાં પોલીસ તપાસનો ધમધમાટ
હળવદના શરભંડા ગામે રહેતાં વૃધ્ધ નાગ પાંચમના દિવસે ગામમાં આવેલા સરમાળીયા દાદાના મંદિરે દર્શન કરવા ગયા હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ વૃધ્ધને અફીણ પીવડાવી દીધું હતું. વૃધ્ધની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના શરભંડા ગામે રહેતાં ભુપતભાઈ હમીરભાઈ ઉધરેજા નામના 65 વર્ષના વૃધ્ધ નાગ પાંચમના દિવસે પોતાના ગામમાં આવેલા સરમાળીયા દાદાના મંદિરે હતાં ત્યારે કોઈ અજાણ્યા શખ્સે અફીણ પીવડાવી દીધું હતું. બાદમાં વૃધ્ધે તાવની પાંચ ગોળીઓ ખાઈ લેતાં તેમની તબિયત લથડી હતી. વૃધ્ધને બેભાન હાલતમાં હળવદ બાદ મોરબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમની તબિયત નાજૂક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક ભુપતભાઈ ઉધરેજા ત્રણ ભાઈ ચાર બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. નાગ પાંચમના દિવસે સરમાળીયા દાદાના દર્શન કરવા ગયા હતાં ત્યારે કોઈએ અફીણ પાયા બાદ વૃધ્ધે તાવની પાંચ ગોળીઓ પી લેતાં તબિયત લથડી હતી. જેના કારણે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.