ગળામાં કાજુ ફસાઈ જતાં કારખાનેદારની એકની એક માસૂમ બાળકીનું મોત
નાના બાળકોને ગમે તે વસ્તુ ખાવા આપતાં પહેલા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલા કાવેરી પાર્કમાં કારખાનેદારની એકની એક પોણા બે વર્ષની પુત્રીનું ગળામાં કાજુ ફસાઈ જતાં શ્ર્વાસ રૂંધાઈ જવાથી મોત નિપજ્યું હતું. આ બનાવથી પટેલ પરિવારમાં ભારે ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, મવડીમાં બાપા સિતારામ ચોક પાસે આદર્શ એવન્યુ પાછળ આવેલા કાવેરી પાર્ક શેરી નં.1માં રહેતા નિલકંઠભાઈ ગઢીયાની એક વર્ષ અને સાત મહિનાની પુત્રી પૃથા આજે સવારે પોતાના ઘરે કાજુ ખાઈ રહી હતી ત્યારે તેણી કાજુ ગળી જતાં ગળામાં ફસાઈ ગયો હતો. જેથી પરિવારજનો દ્વારા તાત્કાલીક પુત્રીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત ન નિવડતાં માસુમ પુત્રીનું મોત નિપજ્યું હતું. આ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક પૃથા એકની એક પુત્રી હોવાનું અને તેના પિતા કારખાનેદાર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી એકની એક પુત્રીનું મોત નિપજતાં પટેલ પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.