મોરબી સબ જેલના કેદીનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત
હત્યાના ગુનામાં એક વર્ષથી જેલમાં રખાયો’તો : પરિવાર શોકમાં ગરકાવ
મોરબીમાં એકાદ વર્ષ પૂર્વે થયેલી હત્યાના ગુનામાં ઝડપાયેલા અને હાલ મોરબી સબ જેલમાં રહેલા કાચા કામના કેદીનું બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. કેદીના મૃતદેહને ફોરેન્સીક પોર્સ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીમાં લીલાપર રોડ પર આવેલી સબ જેલમાં રહેલા અર્જુન ઝવેરચંદ ગામર નામનો 35 વર્ષનો કાચા કામનો કેદી જેલમાં હતો ત્યારે બિમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડયો હતો. કેદીને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું. કેદીના મોત અંગે પોલીસ દ્વારા મૃતક કેદીના પરિવારને જાણ કરવામાં આવી હતી અને મેજીસ્ટ્રેટની હાજરીમાં મૃતક કેદીનાં મૃતદેહનું વિડિયો શુટીંગ કરી ફોરેન્સીક મોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક અર્જુન ગામર મોરબીમાં ગયા વર્ષે ખેલાયેલા ખૂની ખેલમાં હત્યાના ગુનામાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેનું બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.