વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો
શહેરના આજી વસાહતમાં આવેલા ખોડીયારપરામાં વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો લાકડીથી તૂટી પડ્યા હોવાનુ જણાવ્યું હતું. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં ફાયર બ્રિગેડ પાસે રહેતા અને પીજીવીસીએલમાં ઇલેક્ટ્રીશ્યન આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ઇશ્ર્વરભાઇ ગોકળભાઇ પુરોહિત (ઉ.વ.46) ગત તા.14ના સવારે આજી વસાહતમાં આવેલા ખોડીયારપરામાં જગદીશભાઇના ઘરે હતા ત્યારે ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોએ લાકડી વડે માર મારતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં જગદીશભાઇના ઘરે લાઇટ ન હોવાની ફરીયાદ હોવાથી ઇલેક્ટ્રીશ્યન આસીસ્ટન્ટ ઇશ્ર્વરભાઇ અને એલ.આઇ. ગોંડલીયાભાઇ રીપેરીંગમાં ગયા હતા. ત્યારે ઘરમાં તપાસ કરવા જતાં છેડતીનો આરોપ મૂકી મહિલા સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો.
જો કે, આ ઘરમાં બાજુમાંતી લંગરીયું નાખી વીજચોરી કરતા હોવાથી ઘરમાં તપાસ કરવા જતાં પરિવાર દ્વારા ખોટી રીતે છેડતીનો આરોપ મૂકી પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો ર્ક્યાનું જાણવા મળ્યું છે. ઘટના સ્ટાળે સીસીટીવી પણ લગાવેલા હોય જેથી આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.