કાલાવડના ખડધોરાજીમાં પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લેનાર પ્રૌઢાએ દમ તોડયો
મોરબીમાં દોઢ વર્ષનો માસૂમ અને ચોટીલાના જીંજુડામાં 13 વર્ષની બાળા અકસ્માતે દાઝયા
કાલાવડના ખડધોરાજીમાં રહેતા પ્રૌઢાએ પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લીધું હતું. પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડના ખડધોરાજી ગામે રહેતાં અમીબેન લાલજીભાઈ દાફડા નામના 45 વર્ષના પ્રૌઢાએ પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લીધું હતું. પ્રૌઢાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
અન્ય બનાવમાં મોરબીમાં શોભેશ્ર્વર રોડ પર રહેતાં પરિવારનો શિવમ ગોવિંદભાઈ ગમારા (ઉ.દોઢ) અને ચોટીલાના જીંજુડા ગામે રહેતી સોનલબેન જયસુખભાઈ સારલા નામની 13 વર્ષની બાળા અકસ્માતે ગરમ પાણીના તપેલા માથે પડતાં દાઝી ગયા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
