ખંભાળિયા નજીક પૂરપાટ જતી કારની અડફેટે બાઈકચાલક વૃદ્ધનું મોત
ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી પ્રૌઢ શનિવારે બપોરે તેમના એક્ટિવા મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જામનગર માર્ગ પર જતી એક ઈનોવા કારના ચાલકે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
આ સમગ્ર બનાવની વિગત એવી છે કે ખંભાળિયાની રામનાથ સોસાયટી નજીક એસ.એન.ડી.ટી. વિસ્તારમાં રહેતા અને નાનાભાઈ સાથે જલપુર રેસ્ટોરન્ટના નામથી હોટેલનો વ્યવસાય કરતા જગદીશભાઈ મથુરાદાસ પાઉં (ખાખરડા વારા) નામના આશરે 63 વર્ષના વૃદ્ધ શનિવારે બપોરે આશરે પોણા વાગ્યાના સમયે તેમના એક્ટિવા મોટરસાયકલ પર બેસીને અત્રે જામનગર હાઈવે પરથી જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે 6 કિલોમીટર દૂર હીરોના શોરૂૂમ પાસેથી પસાર થતા અન્ય રોડ પર જતી વખતે તેમણે પોતાનું એક્ટિવા મોટરસાયકલ ધીમુ પાડ્યું હતું. આ દરમિયાન જામનગર તરફ પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 06 સી.બી. 4365 નંબરની એક ઈનોવા મોટરકારના ચાલકે જગદીશભાઈના એક્ટિવાને પાછળથી જોરદાર ઠોકર મારી હતી.આ જીવલેણ અકસ્માતમાં જગદીશભાઈ પાઉંને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું લોહી લુહાણ હાલતમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ બનતા અહીંના આગેવાનો તથા કાર્યકરો વિગેરે સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા. અહીં જગદીશભાઈના મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
મૃતક જગદીશભાઈને પરિવારમાં પત્ની તેમજ પુત્ર રૂૂમિત (ગોપાલ) અને બેંગ્લોર ખાતે પરિણીત પુત્રી હિરલ પરાગકુમાર રૂૂઘાણી છે.સરળ અને નિખાલસ સ્વભાવના જગદીશભાઈ પાઉંના અકાળે અવસાનથી પરિવારજનો સાથે રઘુવંશી સમાજમાં પણ ભારે શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર રૂૂમિત જગદીશભાઈ પાઉં (ઉ.વ. 26) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ઇનોવા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.