આંચકી આવતા ઢળી પડેલા વૃદ્ધને અજાણ્યા કારચાલકે કચડી નાખ્યા
સોરઠિયાવાડી સર્કલ પાસે બનેલી ઘટના : પત્ની અને બાળકોએ તરછોડી દેતા વૃદ્ધ એકલવાયુ જીવન જીવતા’ તા
શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી પત્ની અને સંતાનોએ તરછોડી દેતા એકલવાયુ જીવન જીવતા વૃદ્ધ આજે સવારના સમયે સોરઠિયાવાડી સર્કલ પાસે ચાલીને જતા હતાં ત્યારે આંચકી આવતાની સાથે જ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. તે દરમિયાન શેરીમાંથી પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકે વૃદ્ધને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃદ્ધનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સોરઠિયાવાડી સર્કલ નજીક 80 ફૂટ રોડ ઉપર હર્ષદભાઈ વલ્લભભાઈ કુવારડિયા નામના 65 વર્ષના વૃદ્ધ સવારના નવેક વાગ્યાના અરસામાં ચાલીને જઈ રહ્યા હતાં ત્યારે વૃદ્ધને આંચકી આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. તે દરમિયાન શેરીમાંથી માતેલા સાંઢની માફક ધસી આવેલી કારના ચાલકે વૃદ્ધને ટોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાશી છૂટ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક વૃદ્ધ છભાઈ ચાર બહેનમાં વચેટ હતાં અને છેલ્લા પાંચેક વર્ષથી પત્ની અને પુત્ર તરછોડી ચાલ્યા ગયા હતાં. ત્યારથી રખડતુ, ભટકતુ જીવન જીવતા વૃદ્ધ દારૂ પીવાની કુટેવ ધરાવતા હતાં. ત્યાર બાદ વૃદ્ધ આજે સવારના સમયે સોરઠિયાવાડી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે આંચકી આવતા ઢળી પડતાની સાથે જ કારચાલકે કચડી નાખ્યા હોય તે જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.