ખંભાળિયા નજીક કારની ઠોકરે બાઇક સવાર ભાતેલના વૃધ્ધનું મોત
ખંભાળિયા - દ્વારકા માર્ગ પર રવિવારે સવારે પૂરપાટ જઈ રહેલી એક મોટરકારના ચાલકે આ માર્ગ પર મોટરસાયકલ પર જઈ રહેલા એક વૃદ્ધને ઠોકરે લેતા આ વૃદ્ધનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા ગંભીરસિંહ બાલુભા રાઠોડ નામના 62 વર્ષીય વૃદ્ધ ગઈકાલે રવિવારે સવારે તેમના મોટરસાયકલ પર બેસીને પેટ્રોલ ભરાવવા જઈ રહ્યા હતા, ત્યારે ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર અત્રેથી આશરે 30 કિલોમીટર દૂર બેહ ગામના પાટીયા નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે જઈ રહેલા એક આર્ટિગા મોટરકારના ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારતા તેઓ મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ પર સામે આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના પુત્ર શક્તિસિંહ ગંભીરસિંહ રાઠોડ (ઉ.વ. 34, રહે. ભાતેલ) ની ફરિયાદ પરથી જી.જે. 36 એ.સી. 8017 નંબરની આર્ટિગા મોટરકારના ચાલક સામે ભારતીય ન્યાય સહિતા અને એમ.વી. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
