રાજકોટના મેહુલનગરમાં એક 80 વર્ષના વૃદ્ધા તાપણું કરતા દાઝી જતા તેમનું મોત થયું હતું. મેહુલનગરમાં વેવાણના લૌકીકે આવેલ મેટોડાના ટ્રાન્સપોર્ટરને વેવાણની અંતિમયાત્રા પૂર્વ વેવાણના ઘરે જ હદયરોગના હુમલો આવતા સારવાર માટે ખસેડાયા હતા પરતું સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હતું.
મળતી વિગતો મુજબ રાજકોટના મેહુલનગરમાં રહેતા જશુબેન લાખાભાઈ ડાવેરા (ઉવ80) ગત તા 13ના રાતે પોતાના ઘરે તાપણું કરતા હતા ત્યારે કોથળા સળગાવતા જશુબેન દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જશુબેનને સંતાનમાં 1 પુત્ર અને 2 પુત્રી છે.તેમની પૌત્રીના લગ્ન મેટોડામાં રીયલ હાઈટ્સમાં રહેતા ટ્રાન્સપોર્ટનું કામ કરતા આયદાનભાઈ મૈસુરભાઈ સબાડ (ઉવ58)ના પુત્ર સાથે થયા હતા. જશુબેનના અવસાનના સમાચાર મળતા મેટોડા ટ્રાન્સપોર્ટર આયદાન ભાઈ લૌકિક માટે જશુબેનની અંતિમયાત્રામાં રાજકોટ મેહુલનગરમાં આવ્યા હતા.
જશુબેનની અંતિમયાત્રા મેહુલનગરથી નીકળે તે પૂર્વે જ આયદાનભાઈના છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા જ્યાં આયદાનભાઈનું સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. એક તરફ વેવાણની અંતિમયાત્રા નીકળે તે પૂર્વ જે વેવાઈને આવેલ હદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો. એક સાથે વેવાઈ અને વેવાણના મોત થી બન્ને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. મૃતક આયદાનભાઈ 4 ભાઈ અને બે બહેનમાં નાના હતા અને તેમને સંતાન માં 1 પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.