બહેનને ખીચડો આપવા જતાં એકના એક ભાઈને નડેલો અકસ્માત જીવલેણ નીવડ્યો
ઉતરાયણના આગલા દિવસે બહેનને ખીચડો આપવા જતાં એકના એક ભાઈને નડેલો અકસ્માત જીવલેણ નિવડ્યો હતો. રૈયાધારમાં રહેતો યુવાન પડધરીના બોડીઘોડી ગામે જતો હતો ત્યારે વિશામણ ગામ પાસે કુતરુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયા હતાં. તેમનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકનીલાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં શાંતિનગર ગેઈટ પાસે રહેતા રાજેશભાઈ પુનાભાઈ પારઘી (ઉ.વ.45) ઉતરાયણનો ખીચડો આપવા ગત તા. 13ના સાંજે પોતાનુંબાઈક લઈ પડધરીના બોડીઘોડી ગામે જતા હતા ત્યારે વિસામણ ગામ પાસે કુતરુ આડુ ઉતરતા બાઈક સ્લીપખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજેશભાઈને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં ચાલુ સારવાર દરમિયાન રાજેશભાઈએ આજે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પડધરી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રાજેશભાઈ એકની એકબહેનના એકના એક મોટા ભાઈ હતા અને મજુરી કામ કરતા હતા તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.