અમૂલ વિશ્ર્વમાં નં.1, ઈફકો બીજા નંબરે
ભારતની બે સરકારી સંસ્થાઓનો વિશ્ર્વભરમાં દબદબો
ભારતના બે અગ્રણી ખેડૂત-માલિકીના સહકારી સંગઠનો - ડેરી જાયન્ટ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF), જે અમૂલ બ્રાન્ડનું સંચાલન કરે છે, અને ખાતર ક્ષેત્રનું ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) - એ વૈશ્વિક મંચ પર ટોચના સ્થાને પહોંચીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) ના વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2025 ના રેન્કિંગ મુજબ, અમૂલને વિશ્વની નંબર એક સહકારી સંસ્થા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ઇફ્કોને વૈશ્વિક સ્તરે બીજા ક્રમની સહકારી સંસ્થા જાહેર કરવામાં આવી છે. આ રેન્કિંગ મુખ્યત્વે માથાદીઠ જીડીપી પ્રદર્શન (GDP per capita performance) ના આધારે નક્કી કરવામાં આવ્યા છે. આ ઘોષણા કતારના દોહામાં ICA ઈખ50 કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી.
GCMMF ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, આ રેન્કિંગ અમૂલની સતત વૃદ્ધિ, નવીનતા અને ‘લોકો-પ્રથમ’ અભિગમને પ્રતિબિંબિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અમૂલની માલિકી સંપૂર્ણપણે ખેડૂતો પાસે છે.
દૂધ સંગ્રહથી લઈને માર્કેટિંગ સુધીનું બધું જ તેઓ મેનેજ કરે છે. મહેતાએ આ વાત પર ભાર મૂક્યો કે અમૂલ માત્ર આર્થિક જ નહીં, પરંતુ ગરીબી ઘટાડવા, લિંગ સમાનતા અને ટકાઉ સમુદાયો જેવા યુએનના અનેક ટકાઉ વિકાસ લક્ષ્યો (UN Sustainable Development Goals)) ને પણ સમર્થન આપે છે. તેમણે કહ્યું, અમૂલનું ચલણ દૂધ નથી તે વિશ્વાસ છે, લાખો ઉત્પાદકો અને અબજો ગ્રાહકોનો વિશ્વાસ છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પણ આ સિદ્ધિને ‘ભારત માટે ગર્વની ક્ષણ’ ગણાવી હતી અને અમૂલ સાથે જોડાયેલી લાખો મહિલાઓ તેમજ ઇફ્કોમાં યોગદાન આપતા ખેડૂતોની મહેનતને બિરદાવી હતી. આ વૈશ્વિક માન્યતા સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ (IYC) 2025 ના સમાપન પહેલા મળી, જે ભારતીય સહકારી મોડેલની સ્થાયી શક્તિને પુન: પુષ્ટિ કરે છે.
