શુક્રવારથી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, 2400 કરોડના કાર્યનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ શુક્રવારથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તાર ઉપરાંત અમદાવાદ પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારમાં લગભગ રૂૂ.2400 કરોડના ખર્ચે હાથ ધરાયેલા અને હાથ ધરાનારા 68થી વધારે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
જેમાં 5 ડિસેમ્બરે સવારે મહાત્મા મંદિર ખાતે નાબાર્ડ આયોજિત અર્થ (એમ્પાવરિંગ એગ્રીકલ્ચર, રૂૂરલ ટેક અને હ્યુમિનિટી) સમિટનું ઉદ્ઘાટન કરશે. મહાત્મા મંદિરના કાર્યક્રમ બાદ બપોરે 2 વાગ્યા પછી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત લોક સુવિધાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જેમાં સૌપ્રથમ સેક્ટર-22માં પહોંચશે જ્યાં નવ નિર્મિત ગાર્ડન અને યોગ સેન્ટરનું લોકાર્પણ કરશે. આ પછી સેક્ટર-27 પોલીસ લાઇન પાસે મહાનગરપાલિકાએ બનાવેલા નવા ગાર્ડન, M-6 પાસે રેલવે ઓવરબ્રિજ અને બ્રિજની નીચે બનાવવામાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનું લોકાર્પણ કરશે. ત્યારબાદ આદરજ મોટી ખાતે સર્વ શિક્ષા અભિયાન હેઠળ તૈયાર થયેલી સ્કૂલ અને પ્રાયમરી હેલ્થ સેન્ટરના નવા મકાનનું લોકાર્પણ કરશે. આ સાથે આદરજ, જલુંદ અને સોનીપુર એ ત્રણ ગામોમાં પાઇપલાઇનથી રાંધણગેસ પહોંચાડવાની યોજનાનું પણ લોકાર્પણ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી 5મીએ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પસ્વદેશોત્સવ 2025થનું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ 9મી ડિસેમ્બર સુધી ચાલશે. 2003માં સૌ પ્રથમ વખત વસ્ત્રાપુર તળાવનો વિકાસ કરી તેને ફરતે આકર્ષક ગાર્ડનનું નિર્માણ કરાયું હતું. તેના ઉદ્ઘાટનમાં ખુદ હાલના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ એ વખતના ગૃહ રાજ્યમંત્રી અમિતભાઇ શાહના હસ્તે થયું હતું. હવે આ લેક ગાર્ડનને રૂૂ.12 કરોડના ખર્ચે કેટલાક નવા આકર્ષણો તેમજ તમામ વયના નાગરિકોને ગાર્ડનમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિનો લાભ મળે તેવી વ્યવસ્થા સાથે 7મીએ તેનું કેન્દ્રના ગૃહ અને સહકારિતામંત્રી અમિતભાઇ શાહના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ ઉપરાંત બોપલના ઇલેક્ટ્રોથર્મ ગાર્ડન, મેમનગર પાર્ટી પ્લોટ સહિતના અનેક કામોનું લોકાર્પણ પણ તેમના દ્વારા કરાશે. બે આવાસ પ્રોજેક્ટના ડ્રો લોકાર્પણ પણ કરશે.