અનિરૂધ્ધસિંહના કહેવાથી અમિત ખૂંટને હનિટ્રેપમાં ફસાવ્યો’તો
રાજકોટથી પકડાયેલા અતાઉલની પોલીસ સમક્ષ સ્ફોટક કબૂલાત ઇન્સ્ટાગ્રામમાં રહીમ અને શબ્બીર સગીરા બની અમિત સાથે ચેટિંગ કરતો હતો
રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ પર પુછપરછ શરુ કરી છે. બીજી તરફ આ કેસમાં સંડોવાયેલા અતાઉલ મણીયારની રાજકોટ માંથી ધરપકડ કરવામાં આવ્યા બાદ તેની પણ પુછપરછ કરતા અતાઉલે ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ સ્ફોટક કબુલાત આપી છે. અમિત ખુંટને હનીટ્રેપમાં ફસાવવા માટે અનિરુધ્ધસિંહે જ રચ્યું હતું અને અનિરુધ્ધસિંહે જ છોકરી મેનેજ કરવા કહ્યું હતું. અતાઉલ મણીયારનો ડ્રાઈવર ફરાર રહીમ મકરાણી અને શબ્બીર હાલા ઈન્સ્ટાગ્રામમાં સગીરા બની અમિત સાથે ચેટીંગ કરતો અને અમિતને ફસાવ્યો હતો.
આ અંગે ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે.જી.ઝાલાએ જણાવ્યું હતું કે અમિત ખૂટ આપઘાત કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગોંડલ એલસીબી પી.આઈ વી.વી. ઓડેદરા તથા તેની ટીમ દ્વારા ખાનગી રાહે આ કેસમાં નાસતા ફરતા આરોપી અતાઉલ્લા ખાનની બાતમીને આધારે રાજકોટથી ધરપકડ કરી છે. જૂનાગઢ રહેતા મૂળ ઉત્તર પ્રદેશના અતાઉલ બદરૂૂદ્દીન મણીયારને ઝડપી લઇ તેને એક દિવસના રિમાન્ડ પર લીધો છે.
અતાઉલ અને અનિરુદ્ધસિંહ જાડેજાની રીમાન્ડ ઉપર પુછપરછ ચાલુ છે. અતાઉલે પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા. રીબડાના અમિત ખૂંટને ફસાવવા માટે અનિરુધ્ધસિહે જ ષડ્યંત્ર રચ્યું હોવાનું પોલીસ સમક્ષ જણાવતા આ મામલે ચકચાર જાગી છે. અનિરુદ્ધસિહે અતાઉલને છોકરી મેનેજ કરવા ની વાત કરી હતી.જેથી અતાઉલે આ જવાબદારી તેના ડ્રાઈવર રહીમ મકરાણીને સોંપી હતી અને રહીમે પૂજા તથા તેના માધ્યમથી સગીરાને તૈયાર કરી હતી. કાવતરું રચાયું હતું અને તેમાં સફળતા પણ મળી હતી.
અમિત ખૂટ સોશિયલ મીડિયામાં ચેટિંગ કરવા લાગ્યો હતો. અમિત જેની સાથે ચેટિંગ કરતો હતો તે ખરેખર સગીરા નહોતી પરંતુ સગીરાના નામે રહીમ અને શબ્બીર હાલા ચેટિંગ કરતા હતા કોર્ટમાં સરેન્ડર કર્યા પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલના ધારાસભ્યના પરિવારજનો સામે આક્ષેપ કર્યા હતા. પરંતુ અમિતને દુષ્કર્મ કેસમાં ફસાવવા અનિરુદ્ધસિંહ જાડેજાએ કારસો રચ્યાનો ભાંડાફોડ થયો છે.ત્યારે આ મામલે હવે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
અનિરુદ્ધસિંહ અને અતાઉલ બન્ને ઘણા વર્ષોથી એક બીજાના સંપર્કમાં હોવાનું પણ તપાસ માં ખુલ્યું છે. અગાઉ જયારે રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાની વાડીમાં જુગાર ક્લબ ઉપર પોલીસે દરોડો પડ્યો હતો ત્યારે કેટલાક મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા તે પૈકીના કેટલાક મોબાઈલમાં રહેલા સિમકાર્ડ અતાઉલના નામના હતા. આમ અતાઉલ અગાઉથી અનિરુદ્ધસિંહ બન્ને સંપર્કમાં હોવાની માહિતી પોલીસને મળી છે.
રાજકોટમાં અનિરુદ્ધસિંહ સહિતનાઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ ગુનો નોંધશે?
રીબડાના અમિત ખૂંટ આપઘાત અતાઉલની સ્ફોટક કબુલાત બાદ એ વાતનો ખુલાસો થયો છે કે, અમિત ખૂંટને ફસાવવા માટે છોકરી મેનેજ કરી દેવાનું અનિરુદ્ધસિંહે જ કહ્યું હતું. ત્યારે સગીરાને ખોટા ધંધા માટે તૈયાર કરી તે અમિત પાસે મોકલવા બદલ રાજકોટ એ ડીવીઝન પોલીસ આ કેસમાં સંડોવાયેલ અનિરૂૂદ્ધસિંહ સહિતનાઓ સામે ઇમોરલ ટ્રાફિકિંગ અને પોક્સો સહિત-કલમ હેઠળ ગુનો નોંધશે કે કેમ તે બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે.