મંત્રી મંડળના વિસ્તરણની વાતો વચ્ચે સંઘ વડા ભાગવત ગુજરાતમાં
3 દિવસના રોકાણમાં સંઘ કાર્યકરો-પદાધિકારીઓ સાથે બેઠક, જૈનાચાર્યની મુલાકાત સહિતના કાર્યક્રમો
ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ જામી છે. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મંત્રીની વડાપ્રધાન અને અમીત શાહ સાથે મેરેથોન બેઠક બાદ ગમે ત્યારે મંત્રી મંડળ અને સંગઠનમાં ધરખમ ફેરફારના એધાણ વચ્ચે સંઘ વડા મોહન ભાગવત આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવતા ચર્ચાને વધુ વેગ મળ્યો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં સંઘ સંબંધિત અને અન્ય મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે.
ભાગવત આજે અમદાવાદમાં સંઘના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે. સૂત્રો અનુસાર, તેઓ શહેરના હેડગેવાર ભવન ખાતે સંઘના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને સંગઠનની પ્રવૃત્તિઓ અંગે સમીક્ષા કરશે. સંઘના કાર્યકર્તાઓ માટે આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
મોહન ભાગવત ગાંધીનગરની મુલાકાત લેશે. ત્યાં તેઓ જૈન ધર્મના મહાન સંત અને તપસ્વી આચાર્ય મહાશ્રમણજી સાથે સૌજન્ય મુલાકાત કરશે. બંને વચ્ચેની આ મુલાકાત ધાર્મિક અને સામાજિક વિષયો પર ચર્ચા માટે મહત્ત્વની બની રહેશે.
આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન મોહન ભાગવતજી ગુજરાતમાં સંઘની ગતિવિધિઓ અને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે પણ માહિતી મેળવશે તેવી શક્યતા છે.