અમેરિકાના 37% ટેરિફથી સીરામિક ઉદ્યોગની કમ્મર ભાંગી
ભારતથી અમેરિકામાં આવતા માલ પર ટ્રમ્પે 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ટેરિફ ઉપરાંત પેનલ્ટીની પણ જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પની આ જાહેરાતના કારણે વિશ્વ વિખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગના ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થયો છે. ટ્રમ્પની જાહેરાતના કારણે દર વર્ષે અમેરિકામાં થતા 1500 કરોડના સિરામિક એક્સપોર્ટને અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.ઉદ્યોગકારોનું કહેવું છે કે, સિરામિક પર પહેલાથી જ અમેરિકામાં 9 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી અને 3 ટકા એન્ટિ ડમ્પીંગ ડ્યુટી લાગે છે. હવે વધુ 25 ટકા ટેરિફની જાહેરાત થતા મોરબીના સિરામિક ઉદ્યોગના માલ પર કૂલ 37 ટકા ટેક્સ ચુકવવો પડશે. અમેરિકામાં અન્ય જે દેશો સિરામિક પ્રોડક્ટ મોકલે છે તેના પર ભારત કરતા ઓછો ટેરિફ લગાવ્યો હોય મોરબીના ઉદ્યોગકારોએ તેમની સામે ટકી રહેવું મુશ્કેલ બને તેમ છે. ટ્રમ્પના ટેરિફના કારણે હાલ તો અમેરિકાના ઈમ્પોર્ટર દ્વારા ઓર્ડર કેન્સલ કરી શિપમેન્ટ રોકી દેવાયા હોવાનું મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.
મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલ સીરામીક કારખાનાઓની અંદર બનતી સીરામીક પ્રોડક્ટને દેશના દરેક ખૂણામાં તથા વિદેશમાં મોકલવામાં આવે છે. અમેરિકાની વાત કરીએ તો દર મહિને સરેરાશ 1400થી 1500 જેટલા ક્ધટેનર અમેરિકા મોકલવામાં આવે છે અને 12 મહિને લગભગ 1500 કરોડથી વધુનું એક્સપોર્ટ મોરબીમાંથી કરવામાં આવી રહ્યું છે. ભારત ઉપર જે 25 ટકા ટેરીફના નવા દર લાગુ કર્યા છે તેના કરતાં અન્ય દેશો કે જ્યાં સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે ત્યાં ટેરિફના નવા દર ઓછા લાગુ થઈ રહ્યા છે, જેથી એમરિકામાં મોરબીના સિરામિક પ્રોડક્ટની માંગ ઘટે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
આ બાબતે મોરબી સીરામીક વિટ્રીફાઈડ એસો.ના કારોબારી સભ્ય તથા એન્ટિક ગ્રેનાઈટો પ્રા.લિ.ના ડાયરેક્ટર પરેશ કુંડારીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા આજની તારીખે અમેરિકામાં દર મહિને 1400 થી 1500 ક્ધટેનર જેટલો માલ એક્સપોર્ટ કરવામાં આવે છે અને તેના ઉપર 9 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી તથા 3 ટકા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી આમ 12 ટકા ડ્યુટી ઉપરાંત છેલ્લા ત્રણ મહિનાથી 10 ટકા ટેરીફ મળીને 22 ટકા જેટલો ટેક્સ તો આજની તારીખે લાગે જ છે. જો અમેરિકાના રાષ્ટ્રપતિએ કરેલી જાહેરાત મુજબ 25 ટકાનો નવો દર લાગુ થશે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને વધુ 15 ટકા લાગશે જેથી કુલ 37 ટકા જેટલો ટેક્સ અમેરિકાને આપવો પડશે.આજની તારીખે મોરબીના જે સીરામીક ઉદ્યોગકારો અમેરિકામાં વેપાર કરે છે તેમના યુએસના ગ્રાહકો અને ઈમ્પોર્ટરો દ્વારા ટેરિફના નવા દર લાગુ કરવાની જાહેરાત થતાની સાથે જ તેઓના ઓર્ડરને કેન્સલ કરીને ક્ધટેનરના શીપમેન્ટને રોકી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં આ ટેરીફ વોરની અસર મોરબીના સિરામિક ઉદ્યોગને બહુ મોટા પ્રમાણમાં થાય તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.