અલ્પેશ ઠાકોરને ડે.CM બનાવવા બેઠકો થઈ છતાં કાપી નખાયા: ઋષિભારતી
રજૂઆતો અને પ્રયાસો થયા પણ ધ્યાને ન લેવાયા તેનું દુ:ખ, 20 ટકા સમાજ ડબલ ઢોલકી જેવો છે
ઠાકોર સમાજના સામાજિક કાર્યક્રમમાં બાપુએ રાજકીય ભડાકા કરતાં સન્નાટો
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધમેડા ગામમાં ઠાકોર સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપરાંત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને બનાસકાંઠાથી ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર એક જ મંચ પર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુએ ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ના બનાવવા બદલ પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં ઉપસ્થિત ઠાકોર સમાજના આગેવાનોને કૂટનીતિ શીખવાની સલાહ આપી હતી.
પોતાના સંબોધનમાં ઋષિ ભારતી બાપુએ જણાવ્યું કે, ઠાકોર સમાજના નેતાઓને રાજનીતિ કરતા આવે છે, પરંતુ કૂટનીતિ કરતા ના આવડતી હોવાથી તેઓ પાછળ રહી જાય છે. જે દિવસે તેમને કૂટનીતિ આવડી જશે, ત્યારે તેઓ પોઝિશનમાં નહીં પરંતુ પાવરમાં અટલે કે નિર્ણાયક ભૂમિકામાં હશે.
અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે, તેના માટે પ્રયાસ પણ કરવામાં આવ્યા. આ માટે સંગઠનો થયા અને ગાંધીનગરમાં બેઠકો પણ થઈ હતી. આમ છતાં તેમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરથી બાકાત રાખવામાં આવ્યા. ઠાકોર સમાજ પાસે સૌથી મોટો વોટિંગ પાવર હોવા છતાં અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સી.એમ. ના બનાવ્યા તેનું દુ:ખ થવું જોઈએ.
વોટિંગ પાવરનું મહત્ત્વ સમજાવતા ઋષિ ભારતી બાપુએ જણાવ્યું કે, હાલના સમયમાં સમસ્ત ઠાકોર સમાજ 4 વિભાગમાં વેચાઈ ગયો છે. જે પૈકી 10 ટકા સમાજ ટઈંઙ ગુલામી ભોગવી રહ્યો છે. 20 ટકા સમાજ અવસરવાદીઓનો એટલે કે ડબલ ઢોલકી જેવા લોકોનો છે. જ્યારે 50 ટકા સમાજ હજુ પણ સૂતેલી અવસ્થામાં છે. તમે માત્ર જાગી જશો, તો પણ બહુ મોટું પુણ્ય કાર્ય થશે. રાજકીય પાર્ટીઓ ઠાકોર સમાજની નબળાઈ જાણ છે, એટલે ડિવાઈડ એન્ડ રૂૂલની અપનાવે છે.
ભગવાન બુદ્ધ કહેતા હતા કે, જો વ્યક્તિ અંદરથી જાગી ગયો તો પછી દુનિયાની એવી કોઈ તાકાત નથી કે, તેને ગુલામ બનાવી શકે. આથી આપણે ચર્મ ચક્ષુથી નહીં, પરંતુ અંતરચક્ષુથી જાગવું પડશે. આપણા મિત્રો કોણ છે અને હિત શત્રુઓ કોણ છે, એ વિવેક આવી જશે, તો તમે જાગી ગયા સમજો.
બીજી તરફ, અલ્પેશ ઠાકોરે આ વિવાદથી કિનારો કરવાનો પ્રયાસ કર્યો હતો. અલ્પેશ ઠાકોરે મીડિયા સામે ઉપમુખ્યમંત્રીના સવાલથી દૂર રહીને અસ્પષ્ટ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ‘ઋષિ ભારતીએ શું કહ્યું તે હું જાણતો નથી.’ તેમણે ઉમેર્યું કે સરકારમાં તમામ સમાજને યોગ્ય સ્થાન આપી રહી છે.
અલ્પેશ ઠાકોરે નામ લીધા વગર ઋષિ ભારતીને આડકતરી રીતે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, કોઈને આ પદ મળવું જોઈએ તેવા નિવેદનો મંચ પરથી ન કરે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આવા સંમેલનો કરવામાં ઘણી મહેનત થતી હોય છે અને આવા નિવેદનોથી જે મહેનત હોય તે બગડી જાય છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ પણ બનવું હોય છે, પણ કોઈ બનાવશે. આવા નિવેદનો કરશો તો ‘જે આપે છે તે જ પૂરા કરી નાખશે’.
આવા લોકોને આમંત્રણ જ ન આપો: જગદીશ ઠાકોરની ડગળી ચસકી
કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે સ્ટેજ પરથી જ ઋષિ ભારતીના નિવેદનનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આ નિવેદનને સમાજને નુકસાન પહોંચાડનારું ગણાવ્યું હતું તેમણે કહ્યું કે સ્ટેજ પરથી કોઈએ કોઈના નામથી ભાષણ ન કરવું જોઈએ અને પહમણાં કોઈએ નાયબ મુખ્યમંત્રીની વાત કરીથ તેવા નિવેદનો યોગ્ય નથી. તેમણે આયોજકોને આવા લોકોને આમંત્રણ ન આપવા અથવા આમંત્રણ આપો તો તેમને પહેલેથી જ કહેવું કે સમાજ સિવાય અન્ય કોઈ વાત ન કરે. જગદીશ ઠાકોરે વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે આવા લોકો જે ભેગા થયા તેમાં પથ્થર મારે છે અને આવા નિવેદનોથી જે કાર્યક્રમ આખો દિવસ મીડિયામાં ચાલવાનો હતો, તે હવે ફક્ત અલ્પેશ ઠાકોરના નિવેદન પૂરતો જ સીમિત રહી જશે. તેમણે એક કમિટી બનાવવાની સલાહ આપી જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હોય, જેથી વક્તાઓએ સ્ટેજ પરથી શું બોલવું તેની મર્યાદા નક્કી કરી શકાય. તેમણે કહ્યું કે સ્ટેજ પરથી કોઈ રાજકારણની આડીઅવળી વાત કરે તો તેને બાવડું પકડીને ભગાડવો જોઈએ.