ગુજરાતી ફિલ્મ એવોર્ડમાં મામકાવાદના આક્ષેપથી ચકચાર
જાણીતા ગુજરાતી અભિનેતા હિતેન કુમારે ઉઠાવ્યા સવાલ, સારી ફિલ્મો સાઇડ લાઇન અને ભલામણવાળા ફાવી ગયા?
હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023માં બનેલી ગુજરાતી ફિલ્મો માટે ચલચિત્ર પારિતોષિકની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ એવોર્ડની જાહેરાત બાદ વિવાદનો નવો મધપૂડો છેડાયો છે. જાણીતા ગુજરાતી એક્ટર હિતેન કુમારે ફિલ્મ મૂલ્યાંકનની પ્રક્રિયામાં વહાલા દવલાની નીતિનો આક્ષેપ કર્યો છે અને જ્યૂરી પર શ્રેષ્ઠ કૃતિઓ ધ્યાને ન લેવાનો આરોપ મૂક્યો છે. ગુજરાતી એક્ટર હિતેન કુમારે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી આ અંગે ફિલ્મની પસંદગીમાં પારદર્શિતા ન દેખાતી હોવાનું કહ્યું છે.
હિતેન કુમારે વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, આવી જાહેરાતો થાય ત્યારે પાછળ અમુક પ્રશ્નો મૂકતી જાય છે. કેટલાક લોકો બોલવા નથી માગતા પણ હું હંમેશા મુખીર રહ્યો છું એટલે આ વખતે પણ ચૂપ બેસાય તેમ નથી. શ્રેષ્ઠતમ પારિતોષિકવાળા જે છે તેમના માટે કોઈ ફરિયાદ નથી તેમણે તો શુભકામના આપી જ દીધી છે. પરંતુ થોડા વખતથી જોવામાં આવી રહ્યું છે કે, ઘણી બધી શ્રેષ્ઠ કૃતિઓને અવગણવામાં આવે છે. હું દાખલો આપું કે આ વખતે મારી શ્રેષ્ઠ કૃતિ, મારા સર્જક દ્વારા બનાવેલી, મેં એમાં કલાકાર તરીકે કામ કર્યું, આગંતુક નામની ફિલ્મ. સુંદર જુદો વિષય, સુંદર લોકેશન પર ટેકનિકલી સુંદર રીતે એક્ઝિક્યુટ કરેલી ફિલ્મ શ્રેષ્ઠતમ પરફોર્મન્સ ફિલ્મ. એને એક પણ કેટેગરીમાં મુલવવામાં ન આવી, ક્યાંય ધ્યાને પણ લેવામાં ન આવી.
તેમણે આગળ કહ્યું, આવી જ એક ફરિયાદ થોડા વર્ષો પહેલા મારી ફિલ્મ ચિત્કાર સાથે હતી. કે વિશ્વ આખામાં જે વિષય વર્ષોથી વખણાયો છે. અદભૂત પર્ફોમન્સ સાથે તે ફિલ્મ પણ એક નવો જ વિષય હતી. વિષયની દ્રષ્ટિએ તેને પણ તે વર્ષના ક્યાંક કોઈ વિભાગમાં ધ્યાને નહોતી લેવાઈ. ત્યારે અમુક પ્રશ્નો એ નિર્ણયો લેનાર નિર્ણાયક ગણ મિત્રો જેને આપણે જ્યુરી સભ્યો કહીએ છીએ. મિત્રો જ છે તેમાના કેટલાક. પણ પારદર્શિતા નથી દેખાતા. ક્યાંક વહાલા દવલાની નીતિ ચોક્કસ છે.
હિતેન કુમારે કહ્યું કે, કલાકૃતિઓનું સાચું મૂલ્યાંકન થવું જોઈએ. જેમનું થયું છે એમને ખૂબ ખૂબ અભિનંદન મેં આપ્યા છે, પણ અમુક સુંદર કૃતિઓ કોઈ કારણે ઉપેક્ષિત થઈ છે. અને એવું આજે નથી થયું, દર વર્ષે આવી ઘટના બને છે. તો ક્યારેકને ક્યારેક આપણે અવાજ ઉઠાવવો પડે. તમે આખી આપી દો અને સર્વશ્રેષ્ઠ કૃતિઓ બનાવવાનો પ્રયાસ કરતા હોય અને રાજ્ય સ્તરે આટલી સુંદર સરકારે આપણને આપી છે કે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ ચલચિત્ર એવોર્ડ જેમાં મૂલ્યાંકનની વાત છે, જેમાં જ્યુરી મેમ્બર આ મૂલ્યાંકન કરે છે તેમની સામે મારી ફરિયાદ છે કે એવી કઈ તમારી ભૂલ થાય કે સારામાં સારી કૃતિને તમે ઉપેક્ષિત કેવી રીતે રાખી શકો.
સર્ટિફિકેશનમાં સુધારા જરૂરી
વશ જેવી ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો પણ રાજ્ય સ્તરે તેને મૂલ્યાંકન ન થઈ શકવા પર હિતેન કુમારે કહ્યું કે, રાજ્ય સ્તરના મૂલ્યાંકનની ઘટના છે તેમાં આપણે એપ્લાય જ નથી કરી શકતા. કારણ કે અ સર્ટિફિકેશન. એટલે વર્ષો પહેલા બનેલા એવો કોઈ નિયમ કાચી સમજણથી જેને આજે પણ આપણે ચલાવ્યા કરીએ છીએ. તેમણે આગામી સમયમાં ગુજરાતી ફિલ્મોના સર્ટિફિકેશનના નિયમોમાં સુધારા થાય તેવી પણ માંગણી અને લાગણી દર્શાવી છે, જેથી કરીને વશ જેવી ફિલ્મને પણ આ પારિતોષિક માટે ધ્યાને લેવાય.