સરકારી વધુ એક પરીક્ષા વિવાદમાં, ગેરરીતિના આક્ષેપ
ગુજરાતી સ્ટેનોગ્રાફરની પરીક્ષામાં પરીક્ષાર્થીઓ સાથે ભેદભાવ કરાયાની રાવ, કોમ્પ્યુટરમાં ખામી સર્જા હોવાની ફરિયાદ : જાણ કર્યા વગર જ નિયમોમાં ફેરફાર કરાતા ઉમેદવારો મૂંઝવણમાં મૂકાયા
ગુજરાતમાં લેવાયેલી સ્ટેનોગ્રાફર ગ્રેડ-3ની પરીક્ષા હવે વિવાદમાં ઘેરાઈ ગઈ છે. પરીક્ષા દરમિયાન પૂરતી વ્યવસ્થા ન હોવાનો, કેટલાક ઉમેદવારોને વધુ સમય આપવામાં આવ્યો હોવાનો અને ટેક્નિકલ તકલીફોને લઈ અસમાનતા સર્જાઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઉમેદવારો અને તેમના વાલીઓએ તપાસની માંગ સાથે આક્ષેપ કર્યો છે કે પરીક્ષાના નિયમો એક દિવસ પહેલાં અચાનક બદલાઈ ગયા હતા. ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓને નવા ફેરફાર અંગે યોગ્ય રીતે જાણ કરવામાં આવી નહોતી, જેના કારણે તેઓ યોગ્ય તૈયારી નહીં કરી શક્યા. કેટલાક ઉમેદવારોના જણાવ્યા અનુસાર નિયમોમાં એવાં સુધારા કરાયા કે જેમાં કઈ રીતે સ્પીડ અને એક્યુરસી માપવામાં આવશે તેનાં ધોરણો પણ બદલાઈ ગયા.
હંગામો વધતા પોલીસને પણ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડ્યું. તેઓએ ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો અને વિદ્યાર્થીઓને સમજાવ્યા પણ હતા. જોકે અનેક ઉમેદવારોએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો કે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા નહોતી અને કેટલીક જગ્યાએ સ્પષ્ટ ભેદભાવ કરવામાં આવ્યો.
આ સમગ્ર વિવાદ અંગે પરીક્ષા આયોજક સંસ્થા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે.