વેરાવળના વોર્ડ નં.5 અને 6માં ટેન્ડર વિરૂધ્ધ કામગીરી થયાનો આક્ષેપ
જિલ્લા કલેકટર સમક્ષ નગરસેવિકાની રજૂઆત
વેરાવળ શહેરમાં વોર્ડ 5 અને 6 માં ગેસ લાઇન ની કામગીરી માં થયેલ ગેરરીતી અને ટેન્ડર વિરુદ્ધ કામગીરી થયેલ તેનો સર્વ કરવા સ્થાનીક નગરસેવક દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરેલ છે.
વેરાવળના વોર્ડ નં. 6 ના નગરસેવક જીન્નતબેન ઐબાનીએ કલેકટરને કરેલી લેખીત રજૂઆતમાં જણાવેલ કે, વોર્ડ નં 5 તથા 6 માં નેચરલ ગેસ પાઇપ લાઇન નાખવા અંગે કામગીરી શરૂૂ કરવામાં આવેલ છે પરંતુ આ એજન્સી દ્વારા ટેન્ડરના નિયમો વિરુદ્ધ કાર્ય કરેલ છે. એજન્સી દ્વારા નબળી કામગીરી કરેલ છે. નેચરલ ગેસ પાઈપ લાઈન જમીનમાં કેટલે ઉડે સુધી રાખવી જોઈએ તે અંગે પણ કોઈ કાળજી રાખવામાં આવેલ નથી માત્ર બે ફુટ જેવો ઉડો ખાડો ખોદી પાઈપ લાઈન નાખવામાં આવેલ છે. જે ટેન્ડર મુજબ પાઈપ હોવા જોઈએ એ પ્રકારે નથી, આ પાઈપ લાઈન નેચરલ ગેસની હોય જમીનના ઉપલા છોડે નાખવામાં આવેલ છે તો ભવિષ્યમાં ગમે ત્યારે કોઈ પણ ભયંકર અકસ્માત બની શકે છે અને જે વિસ્તારમાં આ પાઇપ લાઈન નાખવામાં આવે છે ત્યાં લોકોની સતત અવર જવર રહે છે. ભવિષ્યમાં હોનારત થશે તો મોટી જાનહાનિ થશે તેવું રજૂઆતમાં જણાવેલ છે.
આ એજન્સીના કાર્યના લીધે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડ રસ્તા, પીવાના પાણીની લાઇનો, ભુગર્ભ ગટર ને પણ નુક્સાન કરેલ છે, આ તમામ બાબતે એક તટસ્થ સમિતિ બનાવીને તાત્કાલિક ધોરણે સર્વ કરાવીને નગરપાલિકાને જે નુકસાન કરવામાં આવેલ છે તેની વસુલાત કરીને ફરીથી રોડ રસ્તા બનાવવામાં આવે તેવું રજૂઆતના અંતમાં જણાવેલ છે. આ રજૂઆતની જાણ ચીફ ઓફિસર, આઈ.આર.એમ. એનર્જી પ્રાઈવેટ લી. સહીતનાને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે