જામનગરમાં આંગણવાડીની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ
જામનગરમાં ચાલી રહેલી આંગણવાડી વર્કર અને તેડાગરની ભરતી પ્રક્રિયા ગેરરીતિ અને અવ્યવસ્થાને કારણે વિવાદમાં ફસાઈ હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. સેવા સદન ખાતે ફોર્મ સ્વીકારવા માટે ઉમટેલી મહિલા અરજદારોની ભીડ અને તંત્રની ઢીલી વ્યવસ્થા સામે વિપક્ષી પક્ષ કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી છે. ભરતી પ્રક્રિયામાં રૂૂપિયા લઈને ગેરરીતિ થતી હોવાના આરોપો સાથે વિપક્ષે નાયબ કલેક્ટરને લેખિત આવેદન આપીને તપાસ અને સુધારણાની માગ કરી છે.
ગુજરાત આંગણવાડી ભરતી 2025 અંતર્ગત જામનગરમાં આંગણવાડી વર્કર અને તેડાગરની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂૂ થઈ છે. આ પ્રક્રિયા 8 ઓગસ્ટ, 2025થી શરૂૂ થઈ અને 30 ઓગસ્ટ, 2025 સુધી ચાલશે, જેમાં ઉમેદવારોએ સરકારના HRMS પોર્ટલ(https://e-hrms.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરી શકે છે. જોકે, સેવા સદન ખાતે ફોર્મ સબમિશન માટે રોજ માત્ર 50 ટોકન આપવામાં આવે છે, જેના કારણે હજારો મહિલા અરજદારોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. ઘણી મહિલાઓએ ફોર્મ સબમિટ કરવા દિવસો સુધી રાહ જોવી પડે છે, જેના કારણે તેમની હાલાકી વધી છે.
કોંગ્રેસે આ પ્રક્રિયામાં વહીવટી તંત્રની બેદરકારીનો આરોપ લગાવ્યો છે. વિપક્ષે દાવો કર્યો છે કે રોજ માત્ર 50 ટોકન આપવામાં આવે છે, જેના કારણે મોટી સંખ્યામાં અરજદારો ફોર્મ સબમિટ કરી શકતા નથી. ફોર્મ સ્વીકારવા માટે કાઉન્ટર અને કર્મચારીઓની સંખ્યા અપૂરતી છે, જેના કારણે પ્રક્રિયા ધીમી ગતિએ ચાલે છે. તે ઉપરાંત કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભરતી પ્રક્રિયામાં રૂૂપિયા લઈને ફોર્મ સ્વીકારવામાં આવે છે અથવા અમુક અરજદારોને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ અંગે કોંગ્રેસે તપાસ કરવાની માગ કરી છે.
જામનગરમાં કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દે તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સેવા સદન ખાતે મહિલા અરજદારોની ભીડને કારણે થતી હાલાકી જોઈને વિપક્ષે આગેવાનો અને અરજદારો સાથે મળીને અધિક કલેક્ટરને લેખિત આવેદન આપ્યું છે.