સામસામા ત્રાસના આક્ષેપ, નીકિતાદેએ વીડિયો વાયરલ કર્યો, સામા જૂથની સીપીને રજૂઆત
શહેરમાં વ્યંઢળો વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલતી અદાવતને પગલે કમિટીના અધ્યક્ષ નીક્તિાદેએ અન્ય કિન્નર મિરાદે અને મિહીરના ત્રાસથી ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે નિક્તિાદેના ત્રાસથી ઘંટેશ્ર્વર પચ્ચીસવારીયામાં છ કિન્નરોએ સામૂહિક ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર સાતેય કિન્નરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. નિક્તિાદે વિરૂધ્ધ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે. બન્ને જૂથ વચ્ચે સામસામી આક્ષેપ બાજી થતાં સનસનાટી મચી જવા પામી છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતાં કિન્નર અખાડાના અધ્યક્ષ નિક્તિાદેએ ફિનાઈલ પી લીધું હતું. બાદમાં મધરાત્રે ઘંટેશ્ર્વર પચ્ચીસ વારીયામાં ખુશ્બુદે, સમીરાદે, બિંદીયાદે, ગોપીદે, ટિન્નીદે અને કલ્પુદે નામના છ કિન્નરોએ ફિનાઈલ પી લીધું હતું. ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરનાર સાતેય કિન્નરોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ ખાતે વ્યંઢળોના ટોળા ઉમટી પડયા હતાં. બન્ને જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલતી અદાવતમાં સામસામે પક્ષે ફિનાઈલ પી લીધું હોવાનું સામે આવ્યું છે. ત્યારે નિક્તિાદેએ હોસ્પિટલના બીછાનેથી વિડિયો વાયરલ કરી મિરાદે અને મિહીરના ત્રાસથી કંટાળી ગયાનું અને અગાઉ જયુબેલી બાગમાં મિરાદે સહિતના 30 જેટલા કિન્નરોએ ઢોર માર માર્યો હતો.
જે લોકોથી કંટાળી ફિનાઈલ પી લીધું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે સામાપક્ષે મિરાદે આક્ષેપ કર્યો છે કે નિક્તિાદે જાતીવાદનો ભેદભાવ રાખી કમિટીમાં સમાવતા નથી અને થોડા સમય પહેલા પારેવડી ચોકમાં નિક્તિાદે સહિતનાએ સમિરાદેને માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ નિક્તિાદે પોતાના સાગ્રીતો સાથે મળી અવારનવાર ધાક ધમકી આપતાં હોવાથી છ કિન્નરોએ સામુહિક ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને નિક્તિાદે વિરૂધ્ધ કાનૂની કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.