સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓક સામે 50 લાખની લાંચ માગ્યાના આરોપથી ખળભળાટ
તત્કાલીન સુરત કલેક્ટર અને સસ્પેન્ડેડ આઇએેએસ આયુષ ઓક વધુ એક વિવાદમાં સપડાયા છે. પાલનપોરની બ્લોક નંબર 201 વાળી જમીન બિનખેતી કરવા માટે આયુષ ઓક અને ચીટનીશ મામલતદાર જિગ્નેશ જીવાણીએ 50 લાખ રૂૂપિયાની માંગણી કરી હોવાનો જમીનમાલિક જયેશ પટેલ અને કાર્તિક પટેલે ગંભીર આક્ષેપ કર્યો છે.
અડાજણના પાલનપોર વિસ્તારના સરવે નંબર 150/1, બ્લોક નંબર 201 વાળી જમીન જયેશ મગરભાઈ પટેલ અને કાર્તિક મગનભાઈ પટેલના નામે ચાલી આવે છે. જ્યારે તેમની બાજુમાં તેમના જ ભાઈની સરવે નંબર 98, બ્લોક નંબર 208 વાળી જમીન આવેલી છે. આ બંને જમીનના ટાઈટલ એકસરખા છે. હવે બ્લોક નંબર 208વાળી જમીન વર્ષ 2018માં બિનખેતીમાં તબદીલ કરવા અરજી કરાઈ હતી. તે સમયે સુરત કલેક્ટર તરીકે મહેન્દ્ર પટેલે જમીનનું ટાઈટલ જોઈ બિનખેતીમાં તબદીલ કરવા હુકમ કર્યો હતો. તેમણે જમીન જૂની શરતનું જ હોવાનું જણાવી બિનખેતીમાં તબદીલ કરી હતી.
હવે 2023ની સાલમાં બ્લોક નંબર 201વાળી જમીન બિનખેતી કરવા માટે જયેશ પટેલે અરજી કરતા તત્કાલિક સુરત કલેક્ટર અને સસ્પેન્ડેડ આઇએએસ આયુષ ઓકે નવી શરતની જમીન હોવાનું જણાવી પ્રીમિયમ ભરવાને પાત્ર હોવાથી અરજી દરફતે કરી દીધી હતી. હવે તે સમય અરજદાર ચીટનીશ મામલતદાર જિજ્ઞેશ જીવાણીને મળ્યા હતા. તે સમયે તેમણે 50 લાખ રૂૂપિયા અમદાવાદ મોકલવાના હોવાનું કહીને રોકડા 50 લાખ માંગ્યા હોવાનો જયેશ પટેલે આક્ષેપ કર્યો હતો. આ અંગે અધિક સચિવ અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.