ઝૂલતા પુલ દુર્ઘટનાના તમામ આરોપીએ ડિસ્ચાર્જ કરવાની માંગ સાથે કરી અરજી
સરકાર પક્ષે આરોપીઓ વિરૂધ્ધ તહોમતનામું રજૂ કરાતા કેસમાં નવો વળાંક
મોરબીમા બનેલ ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોરબીની કોર્ટમાં આજે તમામ 10 આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફથી સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્યું હતું જેની સાથે સાથે તમામ 10 આરોપીઓએ તેમની સામે લગાવવામાં આવેલ આઇપીસી કલમ 304 અને 308 સહિતની કલમો મુજબ ગુન્હો બનતો ન હોવાનું જણાવી દસેય આરોપીઓએ તેમના ચાર વકીલો મારફતે અલગ -અલગ પાંચ ડિસ્ચાર્જ અરજી કરતા હવે સરકારપક્ષ દ્વારા આ અરજીઓ સામે વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સરકારે ઝૂલતાપુલનું સંચાલન કરનાર અજંતા -ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ, બે મેનેજર સહિત કુલ દશ આરોપીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો, જો કે, તમામ આરોપીઓની ધરપકડ બાદ લાંબો સમય સુધી આરોપીઓ જેલમાં રહ્યા બાદ હાલમાં તમામ આરોપીઓ જેલમુક્ત છે ત્યારે મંગળવારે મોરબી કોર્ટમાં તમામ દશે આરોપીઓ વિરુદ્ધ સરકારપક્ષે સૂચિત તહોમતનામું રજૂ કર્યું હતું.
આ અંગે સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું કે, ઝૂલતાપુલ કેસમાં સૂચિત તહોમતનામું રજૂ કરાયા બાદ હવે નામદાર કોર્ટ તહોમતનામું માન્ય કરે છે કે સુધારા વધારા સૂચવે છે તે બાદ કેસ આગળ ચાલશે, બીજી તરફ સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું કે, મંગળવારે તમામ 10 આરોપીઓ વતી તેમના વકીલોએ અલગ -અલગ પાંચ અરજી કરી દસેય આરોપીઓ સામે લગાવવામાં આવેલ આઇપીસી કલમ-304,308,336,337 અને 338 મુદ્દે ડિસ્ચાર્જ અરજી કરી આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 304અને 308 મુજબ ગુન્હો બનતો ન હોવાનું જણાવી ડિસ્ચાર્જ અરજી કરી હતી.વધુમાં મોરબી કોર્ટમાં આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરવામાં આવતા હવે સરકાર તરફે આરોપીઓની અરજી સામે વાંધા સૂચન રજુ કરવામાં આવશે તેમ સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું.